જામનગર સહિત ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહયું છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. એવામાં જામનગરમાં મહતમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી જતાં શહેરીજનો આકરા તાપ અને ગરમીથી અકળાઇ ઉઠયા છે. ગરમીનું પ્રમાણ વધતાં બપોરના સમયે માર્ગો સુમસામ બનતાં જઇ રહયા છે અને આ સાથે ઠંડા પીણાની માંગ વધતી જઇ રહી છે.
જામનગરમાં ચૈત્ર માસના પ્રારંભ સાથે સૂર્યનારાયણના આકરા મિજાજનો શહેરીજનો સામનો કરી રહયા છે. જામનગરમાં છેલ્લા 4 દિવસમાં મહતમ તાપમાનનો પારો 4.5 ડિગ્રી જેટલો ઉચકાતા ગરમીનું પ્રમાણ વધતું જઇ રહયું છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. ત્યારે હજુ વધુ ગરમીનો લોકોને સામનો કરવો પડી શકે છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર જામનગરમાં મહતમ તાપમાન 39 ડિગ્રી, લઘુતમ તાપમાન 20.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 65 ટકા તથા પવનની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઇ હતી.
મહતમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી જતાં બપોરના સમયે આકરા તાપ અને બફારાથી શહેરીજનો પરેશાન થયા છે. તો બીજી તરફ લઘુતમ તાપમાન 20 ડિગ્રી આજુબાજુ રહેવાથી મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડક અનુભવાઇ છે. દરિયા કાંઠાનો વિસ્તાર હોવાને કારણે અન્ય શહેરોની સરખામણીએ જામનગરમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહયું છે. આકરા તાપને કારણે બપોરના સમયે શહેરીજનો કામ સિવાય બહાર નિકળવાનું ટાળી રહયા છે જેથી માર્ગો સુમસામ બનતાં જોવા મળે છે. માનવીઓની સાથે-સાથે પશુ પક્ષીઓની પણ ગરમીને કારણે હાલત કફોડી બની છે. પક્ષી ઘરોમાં પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે પાણીનો છંટકાવ તેમજ પડદાઓ રાખવામાં આવી રહયા છે.
ગરમીનું પ્રમાણ વધતાં શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં કામ કરતાં ખેડૂતો, મજૂરો સહિતના ખૂબ પરેશાન થઇ રહયા છે. ગરમીનું પ્રમાણ વધતાં શહેરમાં ગરમીથી બચવા શહેરીજનો ઠંડી ચીજવસ્તુઓ તેમજ એ.સી., પંખા, કુલરોનો સહારો લઇ રહયા છે. ગરમીનું પ્રમાણ વધતાં લીંબુ સરબત, છાશ, સોડા, આઇસ્ક્રીમ, લચ્છી સહિતના ઠંડા પીણાઓની માંગમાં વધારો થઇ રહયો છે.
જામનગરમાં છેલ્લા પાંચ દિવસનું તાપમાન
30 માર્ચ, તાપમાન મહતમ 35.0 – ડિગ્રી
31 માર્ચ, તાપમાન મહતમ 34.5 – ડિગ્રી
1 એપ્રિલ, તાપમાન મહતમ 37.0 – ડિગ્રી
ર એપ્રિલ, તાપમાન મહતમ 38.5 – ડિગ્રી
3 એપ્રિલ, તાપમાન મહતમ 39.0 – ડિગ્રી


