જામનગર તાલુકાના નાઘેડીમાં આવેલી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં બી.કોમ સેમેસ્ટર 2 ના એકાઉન્ટના પેપરમાં બેખોફ ચોરી કરાતી હોવાની ઘટના બહાર આવતા સમગ્ર રાજ્યના શિક્ષણ તંત્ર ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે. જો કે, ઘણાં વર્ષોથી શિક્ષણસ્તર એટલી હદે કથળી ગયું છે કે તેના વિશે શબ્દો ખુટી પડયા છે. તેમાં પણ રાજકારણ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. મોટા હોદ્દા ધરાવતા વ્યક્તિઓ તેના હોદ્દાઓનો ગેરઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં કોઇ કસર છોડતા નથી. જામનગરના પ્રકરણમાં પરીક્ષાની ચોરીમાં ઓડિયો કલીપ વાયરલ થયા બાદ રાજ્ય સરકાર એકશનમાં આવી ગઈ હતી અને શિક્ષણ મંત્રીએ તાત્કાલિક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કડક પગલાં લેવામાં આવ્યા હતાં જેમાં સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં કોમર્સનું જોડાણ રદ્દ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી શિક્ષણસ્તર દિવસેને દિવસે કથળતું જાય છે. આ શિક્ષણસ્તર છેલ્લી કક્ષા સુધી પહોંચાડવામાં રાજકારણીઓનો મોટો સહયોગ રહેલો છે. ભ્રષ્ટાચાર આચરવામાં શિક્ષણક્ષેત્રેના ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓ કોઇ કસર છોડતા નથી. જેના કારણે રાજ્યના યુવા વર્ગના ભવિષ્ય ઉપર અનેક પ્રશ્ર્નાથો થઈ રહ્યા છે. શિક્ષણસ્તર કથડતા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ તથા રાજકારણીઓના સંતાનો અભ્યાસ કરવા માટે વિદેશ જતા રહે છે. કેમ કે રાજ્યનું શિક્ષણસ્તર અત્યંત કથળેલી હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. તેમાં પણ ખાસ કરીને સરકારી શાળાઓની પરિસ્થિતિ સતત અને દિવસને દિવસે કથળતી જાય છે. જેમાં રાજ્ય સરકારની ઘોર બેદરકારી રહેલી છે. તેની સામે શિક્ષણનું ખાનગીકરણ ગરમીના પાળાની જેમ ઉંચું જ જતું જાય છે. દરેક માતા-પિતા તેના બાળકોને સરકારી શાળામાં બેસાડવાની જગ્યાએ ખાનગી શાળાઓમાં ભણાવવાનો વધુ આગ્રહ રાખે છે.
રાજ્યની શિક્ષણ વ્યવસ્થા એટલી હદ્ે કથળી ગઈ છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના માતા-પિતા તેમના સંતાનોને સારી સ્કૂલમાં ભણાવી શકવામાં પણ સક્ષમ નથી હોતા. ખાનગી શાળાઓની મોંઘી ફી અને દાદાગીરી એટલી હદ્દે સરકાર ઉપર આવી થઈ ગઇ છે કે સરકાર પોતાની મરજીથી ચલાવતા ખાનગી શાળાના સંચાલકો સામે કાર્યવાહી પણ કરી શકતી નથી. કેમ કે આ ખાનગી શાળાઓમાં મોટા ભાગે કોઇના કોઇ રાજકારણી એક યા બીજી રીતે સંકળાયેલા હોય છે. સરકારી શાળાની સામે ખાનગી શાળાનું આધુનિકરણ પણ બાળકોને ખાનગીશાળામાં અભ્યાસ કરવા માટે ઉત્સાહિત કરે છે. પરંતુ મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના માતા-પિતાઓ તેમના બાળકોને ખાનગી શાળામાં ભણાવી શકવા સક્ષમ નથી હોતા.
હાલમાં જામનગરની સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં બેખોફ થતી ચોરીની ઘટના બહાર આવ્યા બાદ આ કોલેજની બી.કોમની માન્યતા તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે. જો કે, માત્ર બી.કોમની માન્યતા રદ્દ કરીને શાળાના સંચાલક અને આચાર્યને બચાવી લેવામાં આવ્યા છે. જો કે, પરીક્ષામાં બેદરકારી દાખવતા બે સુપરવાઈઝરને તાત્કાલિક અસરથી છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ચોરી પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા હજુ પણ કડક પગલાં લેવામાં આવે તેવી શકયતાઓ નકારી શકાતી નથી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદાધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની ભાજપાના સાંસદ દ્વારા માંગણી કરવામાં આવી છે. આ પ્રકરણમાં સરકાર દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ ભયમુકત તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓ અને પદાધિકારીઓના તપેલા ચડી જાય તેવી સ્થિતિ છે.


