વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો મામલો હવે સુપ્રિમકોર્ટ પહોંચ્યો છે, ગઇકાલે વારાણસી કોર્ટે કાશી વિશ્ર્વનાથ મંદિર પરિસરની અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદમાં અધુરો રહેલો સર્વે ફરીથી કરવા આદેશ કર્યો હતો. વારાણસી કોર્ટના આ આદેશને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને યથાસ્થિતિ જાળવી રાખવા માટે માંગણી કરવામાં આવી હતી. પરંતુ સુપ્રિમકોર્ટે આવો આદેશ આપવાનો ઇન્કાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ કહ્યું કે, કાગળો જોયા વગર આદેશ કરી શકાય નહીં. જો કે, સુપ્રિમકોર્ટ આ મામલે ઝડપથી સુનાવણી કરવા માટે તૈયાર થઇ ગઇ છે. દરમ્યાન ગુરૂવારે બપોરે વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે 17 મે સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે, સર્વે માટે ન્યુકત કરાયેલાં કમિશનર અજય મિશ્રા આ કામ કરશે નહીં. દરમ્યાન વારાણસીના ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટે મુસ્લિમ પક્ષ સાથે બેઠક કર્યા બાદ જાહેર કર્યું હતું કે, આવતીકાલથી જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે.
બીજી તરફ અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે તાજમહેલના 22 રૂમ ખોલવાની અરજદારની માંગણી ફગાવી દીધી છે. એટલું જ નહીં કોર્ટે અરજદારને સખત ફટકાર પણ લગાવી છે. અદાલતે કહ્યું કે, પીઆઇએલ કરવાની અધિકારનો દુરઉપયોગ ન કરો. તેમણે અરજદારને એવી પણ સલાહ આપી હતી કે, અરજદારે પહેલાં તાજમહેલના ઇતિહાસનો સંપૂર્ણ અભ્યાસ કરવો જોઇએ. આ અંગે તેમણે પીએચડી પણ કરવું જોઇએ જો કોઇ, યુનિવર્સિટી અભ્યાસ માટે એડમિશન ન આપે તો તેઓ અદાલતમાં આવી શકે છે.
તાજ મહેલના એ બંધ રૂમમાં મૂર્તિઓ નથી : એએસઆઇ
અલ્હાબાદ હાઈકોર્ટે તાજ મહેલના 22 રૂમ ખોલવા મામલે જે અરજી કરવામાં આવેલી તેને ફગાવી દીધી છે. ત્યારે હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, અરજીમાં કરવામાં આવેલા દાવાઓ ખોટા છે. અરજીમાં તાજ મહેલના બંધ રૂમોમાં સંભવિતરૂપે હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિ હોવાની વાત કરવામાં આવી હતી. પુરાતત્વ વિભાગના અધિકારીઓએ આ રૂમ સ્થાયીરૂપે બંધ ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સૌથી પહેલા તો આ રૂમ સ્થાયીરૂપે બંધ નથી અને તેમને તાજેતરમાં જ સર્વેક્ષણ કાર્ય માટે ખોલવામાં આવ્યા હતા. ઉપરાંત આટલા વર્ષો દરમિયાન રેકોર્ડ્સની જે તપાસ થઈ તેમાં પણ રૂમોમાં મૂર્તિઓ હોવાની વાત સામે નથી આવી. સત્તાવારરૂપે આ રૂમોને ’સેલ્સ’ કહેવામાં આવે છે. ત્રણ મહિને પહેલા જીર્ણોદ્ધારની જે કામગીરી થઈ હતી તેમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે ’અત્યાર સુધી સમીક્ષા કરવામાં આવી તેવા એક પણ રેકોર્ડ અને રિપોર્ટ્સમાં મૂર્તિઓનું અસ્તિત્વ નથી જોવા મળ્યું.’ તાજ મહેલમાં સૌથી વધારે પહોંચ ધરાવતા અધિકારીઓનું માનીએ તો મકબરામાં 100થી વધારે સેલ્સ છે જે સુરક્ષાના કારણોસર જનતા માટે બંધ છે. સાથે જ તેમાં આ પ્રકારની કોઈ જાણકારી નથી મળી. અજઈંના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 22 રૂમ સ્થાયીરૂપે બંધ હોવાની વાત તથ્યાત્મકરૂપે ખોટી છે કારણ કે, સમયે-સમયે સંરક્ષણનું કામ થાય છે. એટલે સુધી કે, તાજેતરમાં થયેલા કામમાં 6 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.