Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતકોરોના મૃત્યુ વળતર મામલે ગુજરાત સરકારને ફરી ખખડાવતી સર્વોચ્ચ અદાલત

કોરોના મૃત્યુ વળતર મામલે ગુજરાત સરકારને ફરી ખખડાવતી સર્વોચ્ચ અદાલત

વળતર મામલે સમિતિઓની જિલ્લાકક્ષાએ રચના, કોનાં દિમાગની ઉપજ છે ? : કોર્ટ

- Advertisement -

કોવિડ મૃતકોનાં પરિવારજનોને વળતર ચૂકવવા માટે ગુજરાત સરકાર દ્વારા ચકાસણી સમિતિની રચના મામલે સોમવારે વધુ એકવાર સર્વોચ્ચ અદાલત દ્વારા રાજ્ય સરકારનો ઉધડો લેવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે એટલે સુધી કહ્યું હતું કે, તમારા મુખ્યમંત્રીને કંઈ ખબર છે કે નહીં? આટલું જ નહીં પણ અધિક સચિવને તો તતડાવીને કહ્યું હતું કે, તમને અંગ્રેજી આવડે છે? કોર્ટનો આદેશ સમજાય છે?

- Advertisement -

ન્યાયમૂર્તિ એમ.આર.શાહ અને બી.વી.નાગરત્ના દ્વારા 18મી નવેમ્બરે એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે, આવી ચકાસણી સમિતિ સુપ્રીમ કોર્ટનાં નિર્દેશોની ઉપરવટ જણાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા ગુજરાત સરકાર વતી અદાલતમાં હાજર થયા હતાં અને ચકાસણી સમિતિની રચનાનું સુધારેલું જાહેરનામુ અદાલતને સુપરત કર્યુ હતું. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આ સુધારેલા જાહેરનામામાં પણ થોડાઘણાં ફેરફારની આવશ્યકતા છે. જેને પગલે કોર્ટે સવાલ કર્યો હતો કે પહેલું જાહેરનામુ કોણે જારી કર્યુ હતું? કોઈએ આની જવાબદારી લેવી જોઈએ. જેને પગલે તુષાર મહેતાએ કહ્યું હતું કે, આની જવાબદારી હું સ્વીકારું છું. તેમનાં આ જવાબથી નારાજ જસ્ટિસ શાહે અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલને કહ્યું હતું કે, શા માટે જવાબદારી તમારે લેવાની? સંબંધિત અધિકારીએ જવાબદારી લેવાની હોય. કોણે આનો મુસદ્દો તૈયાર કર્યો હતો. કોણે આને મંજૂરી આપેલી? આ કોના દિમાગની ઉપજ છે? જસ્ટિસ શાહે આગળ સવાલ કર્યો હતો કે, ક્યા સત્તાધિકાર દ્વારા આ કરવામાં આવેલું? જેને પગલે સચિવે કહ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા. ત્યારબાદ ઉશ્કેરાયેલી કોર્ટે કહ્યું હતું કે, શું તમારા મુખ્યમંત્રીને કંઈ જ ખ્યાલ નથી? તમે ત્યાં શા માટે છો સચિવ? જો આ તમારા દિમાગની ઉપજ હોય તો તમને કંઈ ખબર નથી. તમને અંગ્રેજી આવડે છે? તમને અદાલતનો આદેશ સમજાય છે? આ કામગીરીને વિલંબમાં નાખવાનો નોકરશાહી પ્રયાસ છે. જો કે અદાલતની આ ઉગ્રતા પછી સોલિસિટર જનરલે દરમિયાનગીરી કરીને વળતરનાં બનાવટી દાવાની વાજબી ચિંતાનાં કારણો રજૂ કર્યા હતાં. આથી અદાલતે કહ્યું હતું કે, કોર્ટ તરફથી ક્યારેય ચકાસણી સમિતિ માટે નિર્દેશ આપવામાં આવ્યો નહોતો. માટે સુધારેલું જાહેરનામુ પણ કોર્ટ ગ્રાહ્ય રાખતી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular