દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના વધતા જતા બનાવોએ ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. ખંભાળિયામાં થોડા દિવસો પૂર્વે 13 વર્ષીય વિદ્યાર્થીની તરૂણીના આપઘાત બાદ શનિવારે 15 વર્ષની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાબેના પાસ્તરડી ગામે રહેતા રૂડાભાઈ જેઠાભાઈ કોડીયાતર નામના રબારી યુવાનની 15 વર્ષની તરુણ પુત્રી સેજલ ભાણવડથી આશરે પાંચ કિલોમીટર દૂર શિવકૃપા હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતી હતી. નવમા ધોરણમાં અભ્યાસ કરતી સેજલબેન કોડીયાતરએ શનિવાર તા. 13 ના રોજ સવારના સમયે હોસ્ટેલના રૂમમાં પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ સાંપળ્યો હતો.
આ અંગેની જાણ મૃતકના પિતા રૂડાભાઈ કોડીયાતરએ ભાણવડ પોલીસને જાણ કરતા પોલીસે વિદ્યાર્થીની સેજલબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી કરી, આગળની તપાસ હાથ ધરી છે. આપઘાતનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. વધુમાં આપઘાત પહેલા સેજલબેન સ્યુસાઈડ નોટ પણ લખી હોવાનું કહેવાય છે. આ બનાવે મૃતક તરુણીના પરિવારજનોમાં ઘેરા શોક સાથે સમગ્ર પંથકમાં ચિંતા સાથે ચકચાર પ્રસરાવી છે.