લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતી યુવતીએ અગમ્યકારણોસર તેના ઘરે પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી. જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર રહેતાં પ્રૌઢ બીમારી સબબ બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતાં અને ખેતી કરતા મનસુખભાઈ ઉર્ફે સુરેશભાઈ વશરામભાઈ મેરાણી નામના આધેડની પુત્રી નીરજાબેન ઉર્ફે નિકિતા મનસુખભાઈ મેરાણી (ઉ.વ.18)નામની યુવતીએ બુધવારે સવારના સમયે તેણીના ઘરે અગમ્યકારણોસર છતના પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા યુવતીને બેશુધ્ધ હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા લાલપુર સીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ યુવતીનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા મનસુખભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી યુવતીએ કયાં કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના શરૂસેકશન રોડ પર શિવમ પેટ્રોલ પંપ પાછળના વિસ્તારમાં રહેતાં અનિલભાઈ રતિભાઇ પોપટ (ઉ.વ.59) નામના નિવૃત્ત પ્રૌઢને બુધવારે વહેલીસવારના સમયે તેના ઘરે ડાયાબિટીસની બીમારી સબબ એકાએક બેશુદ્ધ થઈ જતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે દિપ્તીબેન પંડયા દ્વારા કરાયેલી જાણના આધારે હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.