જામનગરમાં સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ તરફના માર્ગ પર આવેલા સરદાર પાર્કમાં રહેતાં યુવાનને દારૂ પીવાની કૂટેવ હોવાથી પત્ની એક વર્ષથી રીસામણે જતી રહી હતી અને પિતાએ અઢી માસ પહેલાં ઘરમાંથી કાઢી મૂકતા ઝેરી દવાના ટીકાડા ખાઈ આપઘાત કર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસે આવેલા સરદાર પાર્ક શેરી નં.1 માં રહેતાં નિકુંજ અમૃતલાલ સોનગરા (ઉ.વ.27) નામના યુવાનને દારૂ પીવાની કુટેવ હોવાથી તેની પત્ની એક વર્ષ પહેલાં રિસામણે ચાલી ગઈ હતી અને આ કૂટેવને કારણે તેના પિતા અમૃતલાલે પુત્રને અઢી માસ પહેલાં ઘરમાંથી કાઢી મૂકયો હતો. જેના કારણે એકલવાયુ જીવન જીવતા યુવાન જિંદગીથી કંટાળી બુધવારે બપોરના સમયે સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ તરફ જવાના માર્ગ પર પોતાના હાથે ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા અમૃતલાલ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.