- Advertisement -
ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવીને ગુજરાત ચલાવતા એક લોહાણા યુવાનને અગાઉ ત્રણ શખ્સોએ માર માર્યા બાદ તેની પોલીસ ફરિયાદ અંગેનું સમાધાન કરવા બળજબરીપૂર્વક ત્રાસ આપતા આ યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે સંદર્ભે પોલીસે સુસાઇડ નોટ કબજે કરી ધોરણસર ફરિયાદ નોંધી છે.
આ સમગ્ર પ્રકરણને જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ શાંતિલાલ ઉનડકટ ઉર્ફે દુલો નામના 40 વર્ષના યુવાનને આજથી આશરે છ માસ પૂર્વે અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં રીક્ષા રાખવા બાબતે અહીંના સંજય નાથા ચોપડા નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેના ભાઈ દેવા નાથા ચોપડા તથા અન્ય શખ્સ કિશન કાનજી બગડા નામના ત્રણ શખ્સોએ દિલીપભાઈને બેફામ મારી, ફ્રેકચર સહિતની ગંભીર ઇજા પહોંચાડી હતી.
આ સંદર્ભે જે-તે સમયે અહીંના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગેનો કેસ અહીંની અદાલતમાં ચાલુ હોય, જે સંદર્ભે ગત તારીખ 17 નવેમ્બરના રોજ કોર્ટની મુદ્દતમાં ગયેલા દિલીપભાઈ તથા તેમની સાથે ગયેલા તેમના નાનાભાઈ સુનિલભાઈ સાથે આરોપી શખ્સોએ સમાધાન કરી લેવાની વાત કરી હતી. પરંતુ તેઓ સમાધાન કરવાના મૂડમાં ન હોય, આરોપી શખ્સો દ્વારા બળજબરીપૂર્વક સમાધાન કરવા માટે દિલીપભાઈને દબાણ કરવામાં આવતું હતું. આટલું જ નહી આરોપી શખ્સો એ જો તે સમાધાન નહીં કરે તો પુનઃ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી પણ ઉચ્ચારી દીધી હોવાનું બહાર આવ્યું છે.
આમ, આ ત્રણ શખ્સોના ત્રાસથી કંટાળીને દિલીપભાઈ ગઈકાલે સોમવારે પોતાના સાંજે પોતાના ઘરે દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. વધુમાં વિગત મુજબ મારતા પહેલા દિલીપભાઈએ આરોપીઓના નામજોગ સુસાઈડ નોટ તથા આ અંગેના વિડીયો પોતાના મોબાઈલમાં બનાવી અને આરોપી શખ્સોને કડક સજા કરવામાં આવે તેવી પણ અપીલ કરી હતી.
આપઘાતનો એક માત્ર રસ્તો હોવાનું જણાતાં તથા દિલીપભાઈએ સુસાઇડ નોટ બનાવી મોબાઈલમાં વિડીયો ઉતારી અને મોતની સોડ તાણી લીધી હતી. આ બનાવ અંગે દિલીપભાઈના નાનાભાઈ સુનિલભાઈ શાંતિલાલ ઉનડકટ (ઉ.વ. 36, રહે. ધરારનગર)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે સંજય નાથા ચોપડા, દેવા નાથા ચોપડા તથા કિશન કાનજી બગડા સામે આઈ.પી.સી. કલમ 306, 506 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
મૃતક યુવાનના લગ્ન આજથી આશરે ચૌદ વર્ષ પૂર્વે જૂનાગઢ ખાતે એક યુવતી સાથે થયા હતા. તેમને હાલ 11 વર્ષની એક પુત્રી છે અને તેમની પત્ની હાલ રિસામણે હોવાનું તથા તેઓ અત્રે એકલા રહેતા હોવાનું વધુમાં જાણવા મળ્યું છે. આ બનાવે રઘુવંશી સમાજ સાથે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.
- Advertisement -