જામનગર શહેરમાં શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતાં યુવાને તેની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. કાલાવડના મુળીલા ગામમાં વૃધ્ધે માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં સેન્ટ્રલ બેંક સામે આવેલા મિલન ઈન્ડસ્ટ્રીઝમાં રહેતાં મૂળ નેપાળના રાજુ વિરબહાદુર સુનાર (ઉ.વ.45) નામના યુવાને તેની માનસિક બીમારીથી કંટાળીને સોમવારે સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની સેતુ બહાદુર દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના મુળીલા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં ખેતી કરતા ભગવાનજીભાઈ ભવાનભાઈ વાડોદરિયા (ઉ.વ.71) નામના વૃધ્ધે માનસિક બીમારીથી કંટાળીને એક સપ્તાહ પૂર્વે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ધીરુભાઇ દ્વારા જાણ કરાતા હેકો આર.કે. ઝાલા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત
ઝેરી દવા ગટગટાવી : સારવાર દરમિયાન મોત : મુળીલામાં વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાત