જામનગર શહેરના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતાં યુવાનની માતા કોરોનાકાળમાં મૃત્યુ પામતા ગુમસુમ રહેતા યુવાન પુત્રએ તેના ઘરે જિંદગીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતાં વૃધ્ધે તેની ગુપ્તબીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. લાલપુર ગામમાં રહેતા યુવાનને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના યોગેશ્વરનગર – 1 માં પ્લોટ નં.340/બી માં રહેતાં સંજય મંગાભાઈ કણોતરા (ઉ.વ.35) નામના યુવાનના માતાનું કોરોનાકાળમાં મૃત્યુ થયા બાદ માતાના આઘાતમાં પુત્ર ગુમસુમ રહેતો હતો. જેથી જિંદગીથી કંટાળીને શનિવારે સવારના સમયે તેના ઘરે રૂમની છતના હુંકમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઈ ઉમેશ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી.ગાંભવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતાં છગનભાઇ હંસરાભાઈ ધારવીયા (ઉ.વ.65) નામના વૃધ્ધને છેલ્લાં ત્રણ માસથી ગુપ્ત બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર ચાલુ હતી તે દરમિયાન બીમારીથી કંટાળીને શનિવારે સવારના સમયે દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પુત્ર જમન ધારવીયા દ્વારા પોલીસમાં જાણ કરતા હેકો બી.એન.ચોટલિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, લાલપુર ગામમાં આવેલી દ્વારકાધીશ સોસાયટીમાં રહેતાં રાજુસિંહ રવસિંહ રાઠોડ (ઉ.વ.39) નામના યુવાનને બ્લડપ્રેશરની બીમારી હતી. દરમિયાન રવિવારે બપોરના સમયે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે લાલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ધીરુસિંહ મકવાણા દ્વારા જાણ કરાતા હેકો જે.ડી.મેઘનાથી અને સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.