જામજોધપુર તાલુકાના સડોદર ફિડરમાં દોઢથી બે કલાક માટે પાવર સપ્લાય બંધ થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, ધારાસભ્ય ચિરાગ કાલરિયા દ્વારા ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇને પત્ર લખી રજૂઆત કરી હતી.
જામજોધપુર તાલુકાના સડોદર ફિડર તથા લાલપુર તાલુકાના મેકરણ ફિડર ખાતે દોઢથી બે કલાક જેટલા સમય માટે જેજીવાય ફિડરમાં પાવર સપ્લાય બંધ કરવામાં આવી હતી. આ અંગે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા જેતપુરથી જેજીવાય લોડ મેઇન્ટેઇન કરવા, પાવર કટ કરવા સૂચના મળી હોવાનું જણાવાયું હતું. ત્યારે હાલ ચોમાસાની સિઝનમાં ખેતર તેમજ અંતરીયાળ વિસ્તારમાં માખી-મચ્છર તથા ઝેરી જીવ-જંતુઓનો ઉપદ્રવ ખૂબ મોટા પ્રમાણમાં હોય, આવા સમયે લાંબા સમય માટે વિજ જોડાણ કાપવાથી ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ આવા ઝેરી જીવજંતુઓ કરડવાનો ભય પણ વધી જાય છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી લોકોને 24 કલાક વિજળી મળી રહે તે માટે કાર્યવાહી કરવા માગણી કરાઇ છે.