જામનગરમાં વાલસુરા રોડ ઉપર આવેલ બોન્ડ મિલ સોસાયટીમાં છેલ્લા ઘણાં સમયથી સફાઇ થતી ન હોય તેમજ કચરાનો નિકાલની વ્યવસ્થા ન હોય, આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સફાઇ કામદારો સફાઇ કરવા આવતાં નથી. ગટરોની સફાઇ પણ રહેવાસીઓએ જાતે કરવી પડે છે. જામ્યુકો દ્વારા બધા જ ટેકસ વસુલાતા હોવા છતાં પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવતી નથી. રહેવાસીઓ દ્વારા પોલિટેકનિક કોલેજની બાઉન્ડ્રી પાસે કચરો નાખતા હતાં પરંતુ છેલ્લા પાંચ દિવસથી આ જગ્યાએ પણ એસએસબીના જવાનો અને અધિકારીઓને બેસાડી દેવામાં આવ્યા છે અને કચરા પેટી પણ હટાવી દેવાઇ છે. જેના કારણે લોકોને કચરો નાખવામાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે સોલિડ વેસ્ટના અધિકારીને પણ ટેલિફોનિક જાણ કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. આથી આ વિસ્તારમાં કચરા પેટી મૂકવા તથા ગટરોની સફાઇ કરાવવા માંગણી કરવામાં આવી છે. જો આ અંગે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ છે.