જામનગર શહેરના પટેલપાર્ક શેરી નં.7 માં આવેલા શિવકૃપા રેસીડેન્સીમાં રહેતાં યુવકે તેના ઘરે અગમ્યકારણોસર પંખામાં ચાદર વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના વાડી વિસ્તારમાં રહેતા યુવકે તેના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ બનાવ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના પટેલ પાર્ક શેરી નં.7 માં આવેલા શિવકૃપા રેસીડેન્સી ફલેટ નં. 301માં રહેતા હિતેશભાઈ નથવાણી નામના વેપારી આધેડના પુત્ર દર્શિત નથવાણી (ઉ.વ.19) નામનો વિદ્યાર્થી યુવકે રવિવારે સવારના સમયે તેના ઘરે રુમના પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા હિતેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા રાજુ બાબુભાઈ પરમાર (ઉ.વ.22) નામના દેવીપુજક યુવકે તેના ઘરે રવિવારે વહેલીસવારના સમયે કોઇકારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની માતા સવિતાબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.એસ. પાંડોર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકે કયા કારણોસર દવા ગટગટાવી ? તે અંગેની જીણવટભરી તપાસ આરંભી હતી.