જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવનારા શ્રાવણી મેળાને ધ્યાને રાખીને મહાનગરપાલિકાની વિવિધ ટીમોએ મેળા પૂર્વેની તૈયારીઓ સાથે સાથે તમામ સ્ટોલ ધારકો અને રાઈડ સંચાલકોને નિર્ધારિત એસ.ઓ.પી. (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નું પાલન સુનિશ્ચિત કરવા સઘન કામગીરી હાથ ધરી હતી.
મહાનગરપાલિકાની ટીમોએ તમામ પ્લોટ ધારકોને તેમની નિયત જગ્યામાં જ સ્ટોલ અને રાઈડ મૂકવા માટે સ્પષ્ટ સૂચનો આપ્યા. તંત્ર દ્વારા સ્ટોલની ચોકસાઈથી માપણી કરી સ્ટોલ અથવા રાઈડની જગ્યા વધારામાં કબજે કરાયેલી હોય તો તેને તરત ખાલી કરવા કહ્યું. મેળામાં બે નાના પ્લોટને જોડીને એક મોટી રાઈડ મૂકવાનો પ્રયાસ કરાયો હતો, જેને પગલે મહાનગરપાલિકાએ કાર્યવાહી કરીને આવી બે રાઈડ પર તાળા લગાવી બંધ કરી હતી.
આ કામગીરીમાં નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, અસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ખાસ કરીને એસ્ટેટ શાખા, લાઇટ વિભાગ, ફાયર વિભાગ અને અન્ય સહાયક ટીમોએ સંયુક્ત કામગીરી કરી મેળા વિસ્તારને નિયમો અનુસાર સુવ્યવસ્થિત બનાવ્યો હતો.


