ગુજરાતના ગૃહમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા દ્વારા સ્થાનિક જિલ્લા કક્ષાએ થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, લુખ્ખાગીરી તેમજ જાહેરમાં ફેલાવતા ન્યુસન્સ સામે કડક કાર્યવાહી કરી અને આવા સામાજિક તત્વો અને ગુનેગારોની યાદી તૈયાર કરવા માટે આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા બનાવીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ખંભાળિયાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તેમજ વી.પી. માનસેતા (એસ.ટી. એસ.સી. સેલ) ના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા, ભાણવડ પંથકમાં તેમજ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના વડપણ હેઠળ ઓખા મંડળ વિસ્તારમાં વિવિધ કાર્યવાહી કરવામાં આવી હતી.

ખંભાળિયા પોલીસમાં વિસ્તારમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓની ટીમ સાથે જુદા જુદા 20 જેટલા અસામાજિક તત્વોને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે પૈકી 9 અસામાજિક તત્વોના વીજ જોડાણ ગેરકાયદેસર માલુમ પડતા વીજ અધિનિયમ હેઠળ આવા વીજ જોડાણો દૂર કરી, અને રૂપિયા 7,75,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ખંભાળિયાના સામાજિક તત્વ પ્રવીણ વસંતને તડીપાર કરવાની કાર્યવાહી પણ કરાઈ હતી. આ સાથે ભાણવડ વિસ્તારમાં પણ અધિકારીઓ કર્મચારીઓની ટીમ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ ડામવાની કરવામાં આવેલી કાર્યવાહીમાં ગુલમામદ ઈસ્માઈલ, કારા નારણ અને શકુર બઘા ચાવડાને ત્યાં વીજ ચોરી ઝડપાઈ હતી. જે અંગે રૂપિયા સાડા ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા ગુલમામદ ઈસ્માઈલને ત્યાં સતત જુગારનો અખાડો ચાલુ હોવાથી તેની સામે જુગારધારાની કલમ હેઠળ પણ કાર્યવાહી કરી રૂપિયા 69,000 જેટલો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ જુગારની પ્રવૃત્તિ કરી અને સમાજમાં દૂષણ ફેલાવતા સામાજિક તત્વો સામે સખત કાર્યવાહી જારી રાખીને ગેરકાયદેસર કરવામાં આવેલા દબાણ સંદર્ભેની માહિતી એકત્ર કરી, આવા દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી પણ હાથ ધરાનાર છે.
ખંભાળિયા ડિવિઝનમાં ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ અને વિસ્મય માનસેતા સાથે પી.આઈ. સી.એલ. દેસાઈ, કે.કે. મારુ અને પોલીસ તથા પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
દ્વારકા પોલીસ મથક વિસ્તારમાં 100 કલાકના સમયગાળામાં તૈયાર કરવામાં આવેલી અસામાજિક તત્વોની યાદીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ તેમજ તેમની ટીમ દ્વારા પી.જી.વી.સી.એલ.ના સ્ટાફને સાથે રાખીને 22 જેટલા અસામાજિક તત્વોના રહેણાંક મકાનમાં જઈને કનેક્શન ચેક કરવા સહિતની કાર્યવાહીમાં બે ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરી, રૂપિયા 11,000 નો દંડ ફટકારવા તેમજ વિદેશી દારૂનો એક અને વાહન ડીટેઈનના ત્રણ કેસ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં પી.આઈ. દીપક ભટ્ટ તેમજ તેજલ ચુડાસમા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
આ ઉપરાંત મીઠાપુર વિસ્તારમાં પી.આઈ. ટી.સી. પટેલ તેમજ ડી.એન. વાંઝા અને આર.પી. રાજપુતની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સાત ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરી, રૂપિયા બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અહીં વાહન ડિટેઈન સહિતની કાર્યવાહીમાં હાજર દંડ ઉપરાંત પ્રોહી.ના પણ જુદા જુદા કેસો કરી અને 15 જેટલા સામાજિક તત્વોના રહેણાંક મકાનમાં ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી છે.
ત્યારે છેલ્લા બે દિવસથી પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરી અને અસામાજિક તત્વો પર તૂટી પડતા આવા તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.