કુંભ સ્નાન માટે જામજોધપુરથી જતા યાત્રાળુઓની બસ ઉપર રાજસ્થાનમાં પથ્થરમારો થતાં બસોના કાચ તૂટયા હતા. સદનસીબે કોઇ ઇજા થઇ ન હતી. ઘટનાની જાણ થતાં રાજસ્થાન પોલીસ દોડી જઇ તપાસ હાથ ધરી હતી.
હાલમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો યોજાઇ રહ્યો છે. જેમાં દેશભરમાંથી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહયા છે. ત્યારે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાંથી પણ શ્રધ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભ મેળામાં જઇ રહયા છે. જેમાં જામજોધપુરથી શ્રધ્ધાળુઓ લઇને જઇ રહેલી બસ તેમજ તેની સાથેની ગુજરાત રાજ્યની અને રાજસ્થાન સહિતની 4 જેટલી બસો ઉપર રાજસ્થાનના ભરતપુર નજીક મંગળવારના રોજ પથ્થરમારો કરાયાની ઘટના સામે આવી છે. આ પથ્થરમારામાં બસોના કાચ તૂટયા હતા. આ ઘટના સ્થળ બાદ બે કિલોમીટર પછી આવતી ચેકપોસ્ટ ઉપર શ્રધ્ધાળુઓએ પોલીસને જાણ કરી હતી. જેને લઇ પોલીસ દોડી ગઇ હતી અને તાત્કાલિક ધોરણે પેટ્રોલિંગ કરી પથ્થરમારો કરનારાઓની શોધખોળ હાથ ધરી હતી. સદનસીબે પથ્થરમારાની ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી અને આ બસોને પ્રયાગરાજ જવા રવાના કરવામાં આવી હતી.