ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસના પરિણામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી. જેમાં કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્યના 8 મહાનગરો જામનગર, રાજકોટ, જુનાગઢ, વડોદરા, અમદાવાદ, સુરત, ભાવનગર, ગાંધીનગર તેમજ આણંદ અને નડિયાદમાં રાત્રી કર્ફ્યુંના સમયમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યું રાત્રીના 10 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી રહેશે. અગાઉ રાત્રી કર્ફ્યુંનો સમય 11 થી 5 વાગ્યા સુધીનો હતો. તા.8 જાન્યુઆરી એટલે કે આવતીકાલથી અગામી તા.15 જાન્યુઆરી સુધી આ નિયમો લાગુ રહેશે. જયારે ધો. 1થી 9ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે.
ગુજરાતની શાળાઓમાં 31 જાન્યુઆરી સુધી ધો.1 થી 9માં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકશે. શાળા, કોલેજ અને અન્ય સંસ્થાની પ્રવેશ પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપી સાથે યોજી શકાશે.
દુકાન,ગલ્લા,યાર્ડ,સલૂન, સ્પા, બ્યૂટી પાર્લર,શોપિંગ કોમ્પ્લેક્સને રાત્રે 10 વાગ્યા સુધી સુધી જ ચાલુ રાખી શકાશે. હોટલ,રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ રેસ્ટોરન્ટમાં હોમ ડીલીવરીને રાત્રીના 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
રાજકીય, સામાજિક સહિતના કાર્યક્રમો તેમજ લગ્ન પ્રસંગ પર પણ અંકુશ રાખવામાં આવ્યો છે. ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ સાથે બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની છૂટ આપવામાં આવી છે. હવેથી અંતિમવિધિ, દફનવિધિમાં મહત્તમ 100 લોકોને મંજૂરી આપવામાં આવશે.
સરકારી, પ્રાઈવેટ એસી નોન બસમાં 75 ટકા ક્ષમતાને મંજૂરી આપવામાં આવી છે.
સિનેમા હોલ, જીમ,વોટર પાર્ક,સ્વિમીંગ પુલમાં 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. લાઈબ્રેરી,ઓડિટોરીયમ,મનોરંજક સ્થળોમાં 50 ટકા ક્ષમતા, જાહેર બાગ બગીચા રાત્રે 10 સુધી ખુલ્લા રાખી શકાશે
ધો.9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ સુધીના કોચિંગ ક્લાસને 50 ટકા ક્ષમતામાં મંજૂરી આપવામાં આવી છે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્ટેડીયમ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે.