ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મની નવી સરકારમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળતાની સાથે જ સૌ પહેલા ટ્રાફિક વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ટ્રાફિકના નિયમોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં રાજ્ય સરકાર ટ્રાફિકના નિયમોમાં સુધારા લાવવા માટે ટ્રાફિક પોલિસી અમલી બનાવાશે. વર્તમાનમાં ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને રોકીને દંડ વસૂલ કરે છે પરંતુ ટેકનોલોજીની મદદથી વાહન ચાલકોને રોક્યા વગર જ દંડ કરવાનું આયોજન સરકાર કરી રહી છે.
નવી પોલીસી અંતર્ગત ટ્રાફિક નિયમોમાં 36 પેરામીટરનો સુધારો કરવામાં આવશે અને વાહન ચાલકોને રોડ ઉપર ઉભા રાખવામાં નહીં આવે. આ ઉપરાંત જેટલા પણ ટ્રાફિક સિગ્નલ બંધ પરિસ્થિતિમાં છે તે તમામ ટ્રાફિક સિગ્નલ ને શરૂ કરવામાં આવશે સાથે જ રાજ્ય સરકાર દ્વારા જે જગ્યાએ ટ્રાફિકના સંચાલન માટે વધુ પોલીસ ફોર્સ મૂકી છે અને જે જગ્યા ઉપર ઓછી પોલીસ ફોર્સ કાર્યરત મૂકી છે ત્યાં અકસ્માતમાં વધારો થયો કે ઘટાડો થયો? ટ્રાફિકનું સંચાલન કઈ રીતે થઈ રહ્યું છે? તે તમામ બાબતની ચર્ચા કરીને રિવ્યુ પણ કરવામાં આવશે. ગુજરાતના વાહન ચાલકોને કોઈ પણ તકલીફ અને મુશ્કેલીઓ ન આવે તે રીતે આ પોલિસી અંતર્ગત જોગવાઈ કરવામાં આવશે તેમજ દંડની રકમમાં સુધારો કરવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા સોફ્ટનીતિ તૈયાર કરવામાં આવી છે. આ નીતિ અનુસાર અત્યારે વાહન ચાલકોને ટ્રાફિક નિયમ ભંગનો મિનીમમ સો રૂપિયાનો દંડ વસૂલાય છે અને જો તે દંડ ન ભરવામાં આવે તો બીજો મેમો આવે તો તેનો બમણો દંડ ભરવો પડે છે. નવી સોફ્ટનીતિમાં વાહન ચાલકો ઉપર કોઈ પણ પ્રકારનું આર્થિક ભારણ ન આવે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે અમુક મેમોની રકમ અથવા તો મેમાની સંખ્યામાં વધારો થશે તો પોલીસે ઘરે પહોંચીને પણ મેમો નોંધ કરશે. આ ઉપરાંત પોલિસી અંતર્ગત દંડમાં ઘટાડો પણ થઈ શકે છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે વાહનો પણ જપ્ત નહીં થઈ શકે. ગૃહ રાજ્ય પ્રધાનના કાર્યાલયમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ગુજરાત પોલીસ પ્રજાલક્ષી કાર્ય ઓનલાઈન કઈ રીતે થઈ શકે તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ઈ ચલણમાં અનપેડ રિકવરી વધારવા વન નેશન વન ચલણ અંતર્ગત નિર્ણય લેવા ઇન્ટરસેપ્ટર વાહનોના ઉપયોગની નિયત સમયે સમીક્ષા કરવાની પણ ચર્ચા કરાઈ હતી. આવનારા 100 દિવસોમાં પોલીસ સ્ટેશનની નજીકના વિસ્તારની સફાઈ બાબતે સાયબર ક્રાઇમ, સી ટીમ તેમજ ડ્રગ્સ જાગૃતિ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને પોલીસ બેન્ડને પોલીસ બ્રાન્ડ બનાવવાની સૂચના પણ આપવામાં આવી છે. પોલીસ કર્મચારીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની રચના થાય તેમજ પોલીસ બેન્ડને અદ્યતન બનાવવાની સાથે દરેક જિલ્લામાં પોલીસ બેન્ડની રચના કરીને ટેલેન્ટેડ કર્મચારીઓ અને અધિકારીઓ તેમાં સામેલ થાય તેવા પણ પ્રયત્નો કરવા માટેની સૂચના આ બેઠકમાં આપવામાં આવી છે. રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના કાર્યાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી હતી. દરમિયાન ભૂપેન્દ્ર પટેલ ઓફિસમાં પહોંચ્યા હતા. આ સમયે નવી સરકાર દ્વારા વાહન ચાલકો માટે ટ્રાફિકના નિયમોમાં સુધારો કરવા માટેનું કામગીરી દર્શાવાઈ રહી હતી, જ્યારે નવી પોલીસી આવનારા દિવસોમાં જ જાહેરાત કરવામાં આવશે.