જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામનો વતની અને ચેલામાં એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતો યુવાન શનિવારે સાંજના સમયે મોટી ગોપથી બાઇક પર રાજકોટમાં યોજાનારી લોકરક્ષકની પરિક્ષા આપવા જતો હતો ત્યારે પૂરપાટ આવી રહેલી કારએ હડફેટ લેતાં જવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના વતની અને હાલ જામનગર નજીક ચેલામાં એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા રાહુલ મનસુખભાઈ કણેત (ઉંમર વર્ષ 30) નામનો જવાન ગત્ તા. 14ના રોજ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં પોતાના વતન મોટી ગોપ ગામથી તેની જીજે10-ઇએ-2471 નંબરની બાઈક પર બેસીને રાજકોટમાં યોજાનારી લોકરક્ષકની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા, જે દરમિયાન સમાણાં ગામ પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જીજે10-ડીઆર-9212 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એસઆરપીના જવાન બાઈક સવાર રાહુલભાઈ મનસુખભાઈ કણેતને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઈજા થઈ હતી અને તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા મોટી ગોપ ગામમાં ખેતીકામ કરતા મનસુખભાઈ સાજણભાઈ કણેતે શેઠવડાળા પોલીસમાં કારના ચાલક જે જામજોધપુર પોલીસમાં ફરજ બજાવતા માનસંગભાઈ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર વી. એસ. પટેલ તેઓની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા અને એસઆરપીના જવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જયારે સમગ્ર અકસ્માતના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે
પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક એસઆરપીના જવાન રાહુલ કે જેઓ ત્રણ વર્ષથી એસઆરપીમાં ફરજ બજાવે છે. પરંતુ લોકરક્ષકની પરીક્ષા આપવી હોવાથી તેઓએ મંજૂરી મેળવીને રાજકોટમાં યોજાનારી પરીક્ષા આપવા માટે શનિવારે સાંજે પોતાના બાઈક પર બેસીને રાજકોટ જઈ રહ્યા હતા. જે દરમિયાન માર્ગમાં આ અકસ્માત નડયો હતો. જે અકસ્માતને લઈને મૃતકના પરિવારમાં ભારે કરૂણાંતીકા છવાઇ છે. રાહુલભાઈના પત્ની હિરલબેન તેમજ તેની બે વર્ષની પુત્રી દિયા કે જેણે પિતાનું છત્ર ગુમાવ્યું છે. તેઓએ હૈયાફાટ રૂદન કર્યું હતું, અને સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.


