જામનગરના આંગણે યોજાઇ રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના છઠ્ઠા દિવસના રાત્રી કાર્યક્રમમાં સુગમ સંગીતથી વિશ્વ વિખ્યાત બનેલા નિધીબેન ધોળકિયા અને તેમના ગૃપ દ્વારા શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો. ‘ઠાકોરજી પધાર્યા મારે ઘેર’ શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મંચ પરથી નૃત્ય અને સંગીત સાથે શ્રીનાથજીની અષ્ટસમાં ની ઝાંખી તેમજ જુદા જુદા ભજનો રજૂ કરીને ભક્તિમય વાતાવરણ બનાવી દેવાયું હતું, અને યજમાન પરિવાર તેમજ શ્રોતાગણ ભાવવિભોર બન્યા હતા.
જામનગર ના પ્રદર્શન મેદાનમાં પ્રતિદિન યોજાઈ રહેલા રાત્રી કાર્યક્રમો પૈકી છઠ્ઠા દિવસે સૌરાષ્ટ્રના સ્વર કિન્નરી અને જેમના કંઠે અનેક શ્રીનાથજીના ભજનો રજૂ થયા છે, અને વૈષ્ણવ સમાજ માટે પ્રાત:સ્મરણમાં પ્રતિદિન જેમનો સ્વર ગુંજતો રહે છે, તેવા નિધીબેન ધોળકિયા અને તેમની ટીમનો શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો.
જેઓની સાથે સુગમ સંગીત સાથે જોડાયેલા નિતીન દેવકા, અને અમીબેન ગોસાઈ પણ જોડાયા હતા. તેજસ શિશાંગીયાના સંચાલન સાથે ઉપરાંત હીનાબેન રાજપરાના રાસ ગ્રુપના સથવારે તેમજ તુષાર પોટા તથા તેઓના સાજીંદા વાજિંદા સાથે ની ટીમ દ્વારા શ્રીનાથજી ની ભવ્ય ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો.
શ્રીનાથ દ્વારાથી પ્રારંભ કરાયેલા શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનો જામનગરમાં 380 મો પ્રયોગ યોજાયો હતો, ત્યારે મંચ પરથી શ્રીનાથજીની અષ્ટસમાંની આરતીના જુદા જુદા આઠ દર્શન શ્રોતાગણને કરાવાયા હતા તેમજ શ્રીનાથજીના અનેક ભજનો ગાઇને ભક્તિ સભર વાતાવરણ બનાવી દેવાયું હતું તેમજ યજમાન એવા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને તેમના પરિવારજનો તથા અન્ય શ્રોતાગણ મંચ પરના ગાયક કલાકારો સાથે સાથે ભજનો ગાઈને ભક્તિમય વાતાવરણ બનાવી દીધું હતું.
પ્રત્યેક ભજનોની સાથે જુદા જુદા નૃત્યોની પણ કૃતિઓ રજુ થઇ હતી. અંતમાં ફુલડોલ રાસ રજુ થયો હતો, ત્યારે કથા મંડપમાં ઉપસ્થિત સૌ શ્રોતાગણ પોતાના સ્થાન પર ઉભા થઇ ગયા હતા અને તાળીઓ સાથે કૃષ્ણ ભક્તિમાં લીન બન્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ વખતે ‘આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો’ ભજન ગાઇને શ્રીનાથજીની ઝાંખીની પુર્ણાહુતી કરાઇ હતી.