જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેસ-3 માં મહાવીર સર્કલ પાસે આવેલી પંજાબ નેશનલ બેંકના ઈન્ચાર્જ મેનેજરે બેંકમાં આવેલા લેડીસ વોશરૂમમાં સ્પાય કેમેરા મુકયા અંગે મહિલા કર્મચારીની ફરિયાદીના આધારે પોલીસે સ્પાય કેમેરા કબ્જે કરી ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, બિહાર રાજ્યના સીમરી તાલુકાના વતની અને ઢીચડા રોડ પરના વિસ્તારમાં રહેતાં તથા પંજાબ નેશનલ બેંકની દરેડ ફેસ-3 શાખામાં ફરજ બજાવતા મહિલા તેણીના બેંકના લેડીઝ વોશરૂમમાં ગયા તે દરમિયાન દરવાજાની દિવાલ ઉપર સ્પાય કેમેરો લગાવવાનું ધ્યાને આવ્યું હતું. અને લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરો પંજાબ નેશનલ બેંકના જે-તે વખતના ઈન્ચાર્જ મેનેજર અખિલેશ શૈની (રહે. જામનગર) હરિયાણાના વતની દ્વારા મૂકવામાં આવ્યો હતો. આ સ્પાય કેમેરાને કારણે મહિલાઓની પ્રાઇવેસી ભંગ થતી હોય અને મહિલાઓના ફોટા-વીડિયો બનાવવાના બદઈરાદે કેમેરો લગાડવામાં આવ્યો હોવાની મહિલા દ્વારા પંચ બી પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ બેંક મેનેજર અખિલેશ શૈની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ એમ.એ. મોરી તથા સ્ટાફે બેંકમાં જઈ સ્પાય કેમેરા કબ્જે કરી અખિલેશની ધરપકડ માટ તજવીજ હાથ ધરી હતી.