જામનગરમાં પવિત્ર શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઇ રહી છે. ગઇકાલે શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવભક્તોએ હર-હર મહાદેવ અને ઓમ નમો:શિવાયના નાદ સાથે શિવજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર દિવસ દરમિયાન શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ રહી હતી. બપોર બાદ છોટી કાશીના શિવાલયોમાં શ્રાવણી સોમવાર નિમિત્તે વિશેષ શૃંગાર દર્શન કરવામાં આવ્યા હતાં. જામનગર શહેરમાં ગાંધીનગર ખાતે આવેલ ઇચ્છેશ્ર્વર મહાદેવ મંદિર, પાબારી હોલ પાસે આવેલ ઓમકારેશ્ર્વર, ગૌરીશંકર મહાદેવ ખાતે શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. બેડેશ્ર્વર મહાદેવ મંદિરે ચાંદીના વરખના દર્શન તેમજ અન્નકોટ દર્શન યોજાયા હતાં. આ ઉપરાંત શહેરના કાશિવિશ્ર્વનાથ મહાદેવ મંદિર ખાતે દરરોજ અવનવા શ્રૃંગાર દર્શન યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત ગઇકાલે પણ વિશેષ શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. દ્વાદશ જ્યોર્તિંલિગ પૈકીના એક એવા નાગેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે પણ ગઇકાલે શ્રાવણના ત્રીજા સોમવારે આકર્ષક પુષ્પ શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. શિવભક્તોએ હાલારના વિવિધ શિવાલયોમાં યોજાયેલ શ્રૃંગાર દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. મોડીરાત્રી સુધી શ્રૃંગાર દર્શન માટે શિવભક્તોની લાંબી કતારો લાગી હતી.