જામનગર શહેર અને જિલ્લામાંથી અવાર-નવાર નશીલા પદાર્થનું બેરોકટોક વેંચાણ કરતા સ્થળોએ પોલીસના દરોડા પડે છે તેમ છતાં ગેરકાયદેસર વેચાણ બંધ થતું નથી. જામનગરના જકાતનાકા પાસે રહેણાંક મકાનની બહાર ગાંજાનું વેંચાણ કરતા શખ્સને એસઓજીની ટીમે ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં અવાર-નવાર બેરોકટો નશીલા પદાર્થોનું વેંચાણ બેખોફ કરવામાં આવતું હોય છે. પરંતુ, આવા સ્થળોએ પોલીસ દ્વારા રેઈડ દરમિયાન કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં ગેરકાયદેસર વેંચાણ અટકવાનું નામ નથી લેતું. ત્યારે જામનગર શહેરના જકાતનાકા પાસે વિજયનગર રોડ પર રહેતાં અને ડ્રાઈવિંગ કરતો શખ્સ ગાંજાનું વેંચાણ કરતો હોવાની એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજા અને ચંદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઈ જે.ડી. પરમાર તથા આર.એચ. બાર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન દિનેશ પરબત ગોજિયા નામના શખ્સને તેના મકાનની બહારથી જ ગાંજાનું વેંચાણ કરતા ઝડપી લઇ તેની પાસેથી રૂા.1300 ની કિંમતનો 130 ગ્રામ ગાંજો, ગાંજાના વેંચાણના રૂા.6160 ની રોકડ રકમ તથા રૂા.10000 ની કિંમતનો એક મોબાઇલ અને પર્સ મળી કુલ રૂા.17,460 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
એસઓજીની ટીમે દિનેશને ઝડપી લઇ આ ગાંજાનો જથ્થો સુરતના સૌરભ નામના હિન્દીભાષી પાસેથી ખરીદ કર્યાની કેફિયત આપી હતી. જેના આધારે એસઓજીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી સિટી સી ડીવીઝનને સોંપી આપ્યા હતાં. જેના આધારે પીએસઆઇ એન.એ. રાઠોડ તથા સ્ટાફે તપાસ આરંભી હતી.