જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલી પાન-મસાલા અને સોપારીના જથ્થાબંધ વેપારીની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને રોકડ રકમની ચોરી કરી ગયાની જાણના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલી પાન-મસાલા અને સોપારીના જથ્થાબંધ વેપારીની દિપક એજન્સી નામની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ દુકાનના તાળા તોડી ટેબલના ખાનામાંથી આશરે રૂા.45 હજાર જેટલી રોકડરકમની ચોરી કરી ગયા હતાં. આજે સવારે વેપારી દુકાને પહોંચતા ચોરી થયાનું જાણવા મળતા તેણે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.