જામનગર શહેરમાં છેલ્લાં એક માસથી તસ્કરો બેખોફ બની ગયા છે. જુદા જુદા વિસ્તારોમાં બંધ મકાનોને નિશાન બનાવી માલમતાની ચોરીના બનાવો વધી ગયા છે. એક માસ દરમિયાન પાંચ જેટલા મકાનોમાંથી ચોરી થયાનું પોલીસ દફતરે જાહેર થયું છે. જેમાં શહેરમાં આવેલી શિવ ટાઉનશીપમાં નિવૃત્ત વૃદ્ધના મકાનમાંથી તસ્કરો 20 હજારની કિંમતના દાગીના ચોરી કરી ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના આવેલા શિવ ટાઉનશીપ-1 બ્લોક નં. 17/7 માં રહેતા નવીનભાઈ ગીરજાશંકર જાની નામના નિવૃત્ત વૃધ્ધના 15 દિવસ બંધ રહેલા મકાનને તસકરોએ નિશાન બનાવ્યું હતું અને આ મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલી ચાવીથી કબાટ ખોલી તીજોરીમાંથી રૂા.6000 ની કિંમતનું ચાંદીનું મંગળસૂત્ર, રૂા.4000 ની કિંમતનું ચાંદીની ઝાઝરી, રૂા.6000 ની કિંમતના ચાંદીના સાંકળા, ત્રણ હજારની કિંમતી ચાંદીની લકકી, રૂા.1000 ની કિંમતનું ચાંદીનું પેડન્ટ સહિત કુલ રૂા.20,000 ની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતાં. આ ચોરીની જાણ કરતાં પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય બાબત એ છે કે, જામનગર શહેરમાં વિસ્તારોમાં છેલ્લાં એક માસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં પાંચ રહેણાંક મકાનોને નિશાન બનાવી તસ્કરો ચોરી કરી ગયા છે. શહેરમાં વધતી જતી તસ્કરોની રંજાડથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જો કે, પોલીસે ચોરીના બનાવની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.