લોકોની સુવિધામાં વધારો કરવા કેન્દ્ર સરકાર દ્વારા આરડીએસએસ (રીવેમ્પડ ડીસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ) યોજના હેઠળ પીજીવીસીએલના વિજ ગ્રાહકોના વિજ સ્થાપનમાં સ્માર્ટ પ્રીપેઈડ મીટર લગાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત પીજીવીસીએલ દ્વારા રાજકોટથી કામગીરી શરૂ કરવામાં આવશે.
રાજકોટમાં સૌપ્રથમવાર પાયલોટ ટાઉન તરીકે મહિલા કોલેજ પેટા વિભાગીય કચેરી રાજકોટથી મીટર લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર સીટી ડીવીઝનના સેન્ટ્રલ ઝોન સબ ડીવીઝનમાં મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવશે. પ્રથમ તબકકામાં જાન્યુઆરી 2025 સુધીમાં 23.66 લાખ સ્માર્ટ મીટરો લગાવામાં આવશે ત્યાર બાદ અન્ય કામગીરી હાથ ધરાશે.
રાજકોટ ઉપરાંત અંજાર, અમરેલી, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર, બોટાદ, ભાવનગર, જામનગરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ યોજના હેઠળ સ્માર્ટ પ્રીપેઈડ મીટર લગાવવાથી વિજગ્રાહકો પોતાની જરૂરીયાત મુજબ રીચાર્જ કરી શકશે અને વધુમાં પીજીવીસીએલના કર્મચારીને મીટર રીડીંગ માટે વખતો વખત રૂબરૂ જવાની જરૂર નહીં પડે અને સમયનો બચાવ થશે.
પીજીવીસીએલ દ્વારા અંજારમાં 1.09 લાખ, અમરેલીમાં 2.50 લાખ, ભૂજમાં 1.96 લાખ, મોરબીમાં 0.92 લાખ, રાજકોટ ગ્રામ્યમાં 2.59 લાખ, રાજકોટ શહેરમાં 1.56 લાખ, સુરેન્દ્રનગરમાં 1.93 લાખ, જુનાગઢમાં 1.72 લાખ, પોરબંદરમાં 2.02 લાખ, બોટાદમાં 0.24 લાખ, ભાવનગરમાં 1.82 લાખ, જામનગરમાં 5.32 લાખ આમ કુલ 23.66 લાખ સ્માર્ટ પ્રીપેઈડ મીટર લગાવાશે.
આ યોજનાના અમલ માટે કેન્દ્ર સરકારના આરઈસી પાવર ડેવલપમેન્ટ એન્ડ ક્ધસલટન્સી લિમીટેડ વિભાગને નિયુકત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પીજીવીસીએલના 55.83 લાખ વીજ ગ્રાહકોના કુલ રૂા.3600 કરોડના ખર્ચથી સ્માર્ટ પ્રીપેઈડ મીટર બે તબકકામાં લગાવવામાં આવશે. જેનાથી આગામી સમયમાં વિજ ગ્રાહકોને મોટો ફાયદો થશે.
પ્રથમ તબક્કામાં 23.55 લાખ સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી હાથ ધરાશે. આ મીટરો, સરકારી વિજ જોહાણો, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, ઔદ્યોગીક વિજ જોડાણો કોમર્શીયલ વિજ જોડાણો અને ઘર વપરાશના જોડાણોમાં લગાવાશે. પ્રીપેઈડ સ્માર્ટ મીટરમાં રીચાર્જ પ્રક્રિયા મોબાઈલના પ્રીપેઈડ સીમકાર્ડ જેવી હશે હવે માસિક ચૂકવણીના બદલે જરૂરીયાત મુજબ અનુકુળ દિવસો કે કલાકો માટે પણ ચૂકવણી થઈ શકશે. જો કોઈ વીજ ગ્રાહકનું રીચાર્જ રાત્રીના પુરૂ થાય તો ગ્રાહકે રાત્રીના વીજળી વગર રહેવું ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ સુવિધાથી ગ્રાહકો પોતાનો વીજ વપરાશ જાણી શકશે અને વીજ બીલ ભરવાની લાઈનમાંથી મુકિત મળશે.