હાઇવે ઉપર આવતા જતાં વાહનોને આંતરી લુંટ કરી છેલ્લા 16 વર્ષથી પોલીસને થાપ આપીને નાસતો-ફરતો આરોપી આખરે સકંજામાં આવી ગયો છે. જામનગર પોલીસની ફર્લો સ્ક્વોડે 16 વર્ષથી ફરાર રહેલા વાહનોને આંતરી લુંટના આરોપીને ધ્રોલના લતીપર પાટિયા પાસેથી દબોચી લઇ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કર્યો છે.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2006માં રોડ ઉપર આવતા જતા વાહનોને આંતરીને લુંટ કરતી ગેંગમાં મધ્યપ્રદેશના જાબુઆ જીલ્લાના ઉમરકોટ પીપલીનો સંડોવાયેલો મીઠીયો ઉર્ફે મીઠુ અક્રમ વસુનીયા છેલ્લા 16 વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર હતો. દરમિયાન આ આરોપી લતીપરના પાટિયા પાસે જોવા મળ્યો હોવાની બાતમીના આધારે સક્રિય થયેલી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડે તાત્કાલિક દોડી જઇ લતીપર પાટિયા પાસેથી આ શખ્સને દબોચી લીધો હતો. તેની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે જામજોધપુર પોલીસને સોંપી આપ્યો છે.
આ કાર્યવાહી પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા, રાજેશભાઇ સુવા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઇ બલોચ તથા કોન્સ. મહિપાલ સાદીયા, ધર્મેન્દ્ર વૈશ્ર્ણવ, અરવિંદગીરી ગોસાઇ તથા એલસીબીના હેડ કોન્સ. નિર્મલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.