વરિષ્ઠ નાગરિકો પોતાના જીવનકાળ દરમ્યાન અને ખાસ કરીને વૃદ્ધાવસ્થા દરમ્યાન એકવાર કોઈને કોઈ પવિત્ર ધાર્મિક સ્થળોની યાત્રા કરવાની ઈચ્છા રાખતા હોય છે.તેથી રાજ્ય સરકાર દ્વારા રાજયના વરીષ્ઠ નાગરીકો ગુજરાતના ખ્યાતનામ તીર્થ સ્થાનોના દર્શનનો લાભ લઈ શકે તે હેતુથી શ્રવણ તીર્થ દર્શન યોજના અમલમાં મુકવામાં આવેલ છે. શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગ જામનગર દ્વારા જામનગર તથા દેવભુમિ દ્રારકા જિલ્લાના વરીષ્ઠ નાગરીકો કે જેઓની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય તેવા વડીલોને 75% રાહતદરે સદર યોજનાનો લાભ આપવામાં આવે છે.
શ્રવણ તીર્થ દર્શન યોજના માટેની પાત્રતાઓમાં અરજદાર અરજીની તારીખે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જોઈએ. પતિ-પત્ની એક સાથે યાત્રા કરતાં હોય તો બે પૈકી એકની ઉંમર અરજીની તારીખે 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આ યોજના હેઠળ લાભ લેવા માટે ઓછામાં ઓછા 27 યાત્રાળુઓના સમૂહની અરજી માન્ય ગણાશે. વ્યક્તિગત કે 27 થી ઓછા વ્યક્તિઓની અરજી માન્ય ગણાશે નહીં. ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (72 કલાક) ની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે. યાત્રાધામ પ્રવાસનો રૂટ યાત્રિકો પોતે જ નક્કી કરી શકશે. જો ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ કરતા વધુ દિવસ મુસાફરી કરવામાં આવશે, તો વધુ દિવસો માટે રાહતનો લાભ મળી શકશે નહિં. જે યાત્રાળુઓ 70 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા હોય અને એકલા હોય તો, તેઓ સાથે એક એટેન્ડેન્ટ 60 વર્ષથી નીચેની ઉંમરના હોય તે પણ લઈ જઈ શકશે. ગ્રુપમાં ડોક્ટર, નર્સ/કમ્પાઉન્ડર, રસોયા અને હેલ્પર વગેરેનો વધુમાં વધુ પ વ્યક્તિની મર્યાદામાં સમાવેશ થઈ શકશે.અને તેમની ઉંમર જો 60 વર્ષથી નીચે હોય તો પણ તેઓ પ્રવાસને પાત્ર બનશે. શ્રવણ તીર્થ યોજનાનો લાભ એક વ્યક્તિને પ્રત્યેક નાણાંકીય વર્ષમાં ફક્ત એક જ વાર મળવાપાત્ર રહેશે. અરજીની પ્રક્રિયા ગ્રુપ લીડરે અથવા ટ્રાવેલ એજન્ટે ઓછામાં ઓછા 30 યાત્રિઓ કે જેઓ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા હોય, તેની વિગતો સાથે અરજીના પરિશિષ્ટ મુજબના અરજી ફોર્મમાં અરજી કરવાની રહેશે. આવી અરજી યાત્રા શરૂ થવાની તારીખના પાંચ દિવસ પહેલા કરવાની રહેશે.સદર શ્રવણ તીર્થ દર્શન યોજના સબબ વધુ માહિતી માટે નજીકના ડેપો મેનેજરનો સંર્પક કરી શકાશે.