દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં જડેશ્ર્વર સોસાયટીમાં રહેતાં યુવાનની 15 વર્ષની પુત્રી જામનગરમાં રહી ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી અને ડ્રોપ લીધા બાદ ફરીથી અભ્યાસ શરૂ કરતા અભ્યાસ રીપીટ થતો હોવાથી કંટાળીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરમાં માંડવી ટાવર પાછળ રહેતાં વૃદ્ધને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં જડેશ્ર્વર સોસાયટીમાં બ્લોક નં.33 માં રહેતાં નિલેશભાઈ લક્ષ્મીદાસ ગોહેલ નામના યુવાનની પુત્રી માહી ગોહેલ (ઉ.વ.15) નામની તરૂણી ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી અને ગત વર્ષે તેણીએ બીમારીના કારણે ડ્રોપ લીધો હતો. ત્યારબાદ ફરીથી આ વર્ષે ધો.11 સાયન્સમાં અભ્યાસ શરૂ કર્યો હતો. પરંતુ અભ્યાસ રીપીટ થતો હોય જેથી જિંદગીથી કંટાળીને સોમવારે સાંજના સમયે પટેલ કોલોની શેરી નં.11 અને રોડ નંબર 3 આવેલા ખ્યાતિ એપાર્ટમેન્ટના બ્લોક નં.203 માં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ કરતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પિતા નિલેશભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના માંડવીટાવર પાછળ આવેલા વિસ્તારમાં રહેતાં અમૃતલાલ લક્ષ્મીદાસ સરૈયા (ઉ.વ.76) નામના વૃદ્ધને ગત રવિવારે બપોરના સમયે તેના ઘરે એકાએક હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ દિનેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.એમ.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.