હિંદુઓના સૌથી મોટા ધર્મગુરૂ તથા દ્વારકા અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું આજ રોજ અવસાન થયું છે. તેઓ 99 વર્ષના હતા. તેમણે મધ્ય પ્રદેશના નરસિંહપુર ખાતે અંતિમ શ્વાસ લીધા છે. સ્વરૂપાનંદ સરસ્વતી હિંદુઓના સૌથી મોટા ધર્મગુરૂ હતા. થોડા દિવસો પહેલા જ સ્વરૂપાનંદ સરસ્વતીએ પોતાનો 99મો જન્મદિવસ ઉજવ્યો હતો
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો ગંગા આશ્રમ નરસિંહપુર જિલ્લાના ઝોતેશ્વર ખાતે આવેલો છે. તેમણે રવિવારે બપોરે 03:30 કલાકે અંતિમ શ્વાસ લીધા. તેમનો જન્મ 2 સપ્ટેમ્બર 1924ના રોજ મધ્ય પ્રદેશના સિવની ખાતે થયો હતો. 1982માં તેઓ ગુજરાતમાં દ્વારકા શારદા પીઠ અને બદ્રીનાથમાં જ્યોતિર મઠના શંકરાચાર્ય બન્યા હતા.
શંકરાચાર્ય સરસ્વતીના માતા-પિતાએ બાળપણમાં તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. તેમણે 9 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું અને ધર્મનો રસ્તો અપનાવ્યો હતો. સ્વામી શંકરાચાર્ય સરસ્વતીએ કાશીમાં વેદ-વેદાંગ તથા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો.
વર્ષ 1942ના સમયગાળામાં તેઓ માત્ર 19 વર્ષના હતા ત્યારે ક્રાંતિકારી સાધુ તરીકે પ્રસિદ્ધ થયા હતા, કેમકે તે સમયે દેશમાં અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થવાની લડાઈ ચાલી રહી હતી. તેઓ વારાણસીમાં 9 મહિના અને મધ્યપ્રદેશની જેલમાં 6 મહિના સુધી કેદ રહ્યા હતા.શંકરાચાર્યજીના અંતિમ જન્મદિવસની ઉજવણી હરિયાળી તીજના દિવસે કરવામાં આવી હતી.
1942માં જ્યારે અંગ્રેજો ભારત છોડોનો નારો છેડાયો ત્યારે સ્વરૂપાનંદ સરસ્વતી પણ સ્વતંત્રતા સંગ્રામમાં કૂદી પડ્યા હતા. તે સમયે 19 વર્ષની ઉંમરે તેઓ ‘ક્રાંતિકારી સાધુ’ તરીકે પ્રસિદ્ધ થયા હતા. તેઓ કરપાત્રી મહારાજના રાજકીય દળ રામ રાજ્ય પરિષદના અધ્યક્ષ પણ હતા. 1950માં તેમને દંડી સંન્યાસી બનાવવામાં આવ્યા હતા અને 1981માં તેમને શંકરાચાર્યની ઉપાધિ મળી હતી. 1950માં શારદા પીઠ શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીએ દંડ સંન્યાસની દીક્ષા લીધી હતી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે જાણીતા બન્યા હતા.