આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે કેટલાંક જિલ્લાઓમાં વરસાદનો ધમધમાટ અને જનજીવન પર અસર. ગીર સોમનાથ, સુત્રાપાડા, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ગારિયાધાર, વેરાવળ, તાપી જીલ્લાના વ્યારા,વાલોડ, સોનગઢ સહિતના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યો છે.
રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એક સાથે પાંચ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના કેટલાંક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો હવે આવનારા દિવસોમાં વરસવાની આગાહી પણ છે. ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે એલર્ટ જાહેર કરાયા છે.
તાપીમાં વરસાદને પગલે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં 22 રસ્તાઓ બંધ કરાયા છે. વ્યારાના ત્રણ, સોનગઢ એક તેમજ ડોલવણના અઢાર રસ્તાઓ પરના લો લેવલ પાણીમાં ગરકાવ થતા તંત્ર એલર્ટ જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદના કારણે પાણી ફરી વળ્યા અને હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.
ત્યારે ભાવનગર જિલ્લામાં ગારિયાધાર સહિતના અનેક પંથકોમાં વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથમાં ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું. કલેકટરે અપીલ કરી છે કે નદી, નાળા નજીક ન જશો અને નિચાણવાળા વિસ્તારમાં સાવચેતી રાખવા સુચનો અપાયા છે. જૂનાગઢના ત્રણ તાલુકામાં આભ ફાટયાની સ્થિતિ જ્યારે માણાવદરના દગડ તળાવની પાળો તુટતા શહેરમાં પાણી ઘુસ્યાની સ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડયા હતા ત્યારે આગામી પાંચ દિવસો દરમિયાન સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે નાગરિકોને મુસાફરી ટાળવા અને ઘરે સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે.


