કાલાવડ તાલુકાના ડેરી ગામથી ભગત ખીજડિયા ગામ જવાના જૂના માર્ગ પર આવેલા સીમ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.47,160ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરમાંથી વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતા બે શખ્સોને પોલીસે રૂા.11,100 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, કાલાવડ તાલુકાના ડેરી ગામથી ભગત ખીજડિયા ગામ જવાના જૂના માર્ગ પર આવેલા સીમ વિસ્તારમાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ધર્મેન્દ્રસિંહ ભગુભા જાડેજા, પંકજ મનસુખ કાછડિયા, અતુલ પાલા સાગઠીયા, વસંત બાબુ રાંક, કેશવજી ડાયા ચાવડા, ભીમજી વલ્લભ કોઠીયા, રાજેશ સામજી રંગપરા સહિતના સાત શખ્સોને પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.47,160 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુર ગામમાં ગીંગણી જકાતનાકા પાસે જાહેરમાં વર્લીના આંકડા લખી પૈસાની હારજીત કરતા રાજેશ કાંતિલાલ હિરપરા અને બધાભાઈ ઉર્ફે બધો રામા છેલાણા નામના બે શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.11,100 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલા સાહિત્ય સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.