ગુજરાતમાં ફરી નવા કોરોનાએ એન્ટ્રી કરી છે અને રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ કોરોનાનો એક કેસ નોંધાઇ ગયો છે. ત્યારબાદ કામદાર કોલોનીમાં રહેતાં એકજ પરિવારના ચાર સહિત સાત નવા કોરોના કેસ નોંધાતા જામનગરમાં કુલ 10 કોરોના એક્ટિવ કેસ થઇ ગયા છે. જો કે, તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
સિંગાપોર અને હોંગકોંગમાં કોરોના કહેર બાદ નવા કોરોના વેરીએન્ટની વિશ્ર્વભરમાં એન્ટ્રી થઇ ગઇ છે. ત્યારબાદ કોરોનાના નવા વેરીએન્ટની ભારતમાં પણ એન્ટ્રી થઇ ગઇ હતી અને ત્યારબાદ ગુજરાતમાં, જામનગરમાં પણ નવા કોરોના વેરીએન્ટનો કેસ પંચવટી વિસ્તારમાં રહેતા યુવાનનો નોંધાયો હતો. જે બહારગામથી આવ્યા બાદ પોઝિટિવ થયો હતો. જામનગરના યુવાનને કોરોના પોઝિટિવ આવતાં હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું અને સાવચેતીના પગલાંરૂપે જી. જી. હોસ્પિટલમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા પણ કરી રાખવામાં આવી છે. કોરોનાની કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સાબદું બની ગયું છે. દરમ્યાન ગઇકાલે કામદાર કોલોનીમાં રહેતાં એકજ પરિવારના ચાર વ્યક્તિઓ કેરેલાથી પ્રવાસ કરીને પરત ફર્યા હતા. ત્યારબાદ આ ચારેયને કોરોનાના લક્ષણ જણાતા પરિક્ષણ કરાવતા ચારેય સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ત્યારબાદ આ ચારેય વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવી હતી. જેથી અન્ય વ્યક્તિઓને ચેપ ન લાગે. તેમજ ગોકુલનગરમાં એક, પાર્ક કોલોનીમાં એક, ઘાંચીવાડમાં એક સહિત કુલ સાત વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. જામનગરમાં હવે કુલ 10 એક્ટિવ કેસ થઇ ગયા છે અને આ તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ ક્વોરોન્ટાઇન રાખવામાં આવ્યા હોવાનું જી. જી. હોસ્પિટલના ડો. એસ. એસ. ચેટર્જીએ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે નવો કોરોના ચિંતાજનક નથી. પરંતુ એલર્ટ રહેવું જરૂરી છે.


