દેશભરના કોરોનાનું સંક્રમણ ધીમી ગતિએ વકરી રહ્યું છે. ત્યારે જામનગર શહેર અને જિલ્લો તથા દ્વારકા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં ત્રણ અને જિલ્લામાં ત્રણ તથા દ્વારકામાં એક પોઝિટિવ કેસ સહિત સાત કેસ નોંધાયા છે.
જામનગર શહેર અને જિલ્લામાં દેશભરની સાથે સાથે કોરોના સંક્રમણ વકરતું જાય છે. રાજ્યમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં ત્રણ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે જિલ્લાના લાલપુર, ધ્રોલ અને જોડિયામાં એક-એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવો આવ્યો હતો. શહેરમાં બે અને જિલ્લામાં બે સહિત ચાર દર્દીઓ સ્વસ્થ થઈ જતાં રજા આપવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ જાન્યુઆરી 2023 થી 6 એપ્રિલ સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગે કુલ 16,214 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આજ સુધી કુલ પાંચ નવા કેસ નોંધાયા હતા. જોકે હાલ માત્ર એક જ એક્ટિવ કેસ હોવાનું અને તે પણ હોમ આઈશોલેશનમાં હોવાનું સૂત્રો દ્વારા જાહેર થયું છે. ગઈકાલે ગુરુવારે એક દિવસમાં જિલ્લામાં કુલ 351 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.