એલ્ડરલાઈન એટલે વરિષ્ઠ નાગરિકો માટે સહાનુભૂતિનો સાથ. કેન્દ્ર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 60 કે તેથી વધુ વયના નાગરિકોની સેવા, તેમના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ માટે સુવિધા અને તમામ પ્રકારે મદદ પૂરી પાડવા માટે નિ:શુલ્ક હેલ્પલાઇન 14567 શરૂ કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો સવારના 8:00 કલાકથી સાંજના 8:00 કલાક દરમ્યાન આ નંબર પર ફોન કરી નેશનલ હેલ્પલાઈન ફોર સીનીયર સીટીઝનનો સંપર્ક કરી શકે છે. એલ્ડરલાઈન અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે માહિતી, સલાહ, સ્થળ પર મદદ અને ભાવનાત્મક ટેકો એમ ચાર પ્રકારે સહાય આપવામાં આવે છે.
એલ્ડરલાઇન થકી વૃદ્ધાવસ્થામાં આરોગ્ય જાગૃતિ, સારવાર, વૃદ્ધાશ્રમો, ડે કેર સેન્ટર તથા ફ્રેન્ડલી પ્રોડક્ટ, વૃદ્ધો માટેની સરકારી યોજનાઓ વગેરે વિશે માહિતી આપવામાં આવે છે તેમજ તકરાર નિવારણ, કાનૂની, પેન્શનને લગતી સલાહ પણ આપવામાં આવે છે. પીડિત, ગુમ થયેલા કે ત્યજી દેવાયેલા, દુર્વ્યવહાર થયેલ, તથા નિરાધાર વૃદ્ધોની સ્થળ પર જ મદદ પહોંચાડી સંભાળ લેવામાં આવે છે. તેમજ વરિષ્ઠ નાગરિકોને પારિવારિક સમસ્યાઓ, એકલતા, ચિંતા વિશે વાતચીત કરીને યોગ્ય સલાહ અને મદદ દ્વારા તેમને ભાવનાત્મક ટેકો પણ આપવામાં આવે છે. આમ, વૃદ્ધાવસ્થાની તકલીફોને ધ્યાનમાં લઈ સંવેદનશીલ અભિગમ અપનાવી તેમને મદદ કરવા માટે આ હેલ્પલાઈન દ્વારા સરકાર સતત સેવારત છે.