દેશમાં નિર્માણ પામેલ પ્રથમ વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતને પરીક્ષણ માટે સમુદ્રમાં ઉતારવામાં આવ્યું હતું. આગામી 6 મહિના સુધી જહાજનું સમુદ્રમાં પરીક્ષણ થશે. જો પરીક્ષણ સફળ રહ્યું તો આવતા વર્ષે તેને સેનામાં તૈનાત કરાશે. ભારતના સૌથી પહેલા વિમાનવાહક જહાજનું નામ આઈએનએસ વિક્રાંત હતું. એ 1997માં નિવૃત થયું હતું. એ વિક્રાંતે 1971ના યુદ્ધમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. માટે તેના સન્માનમાં ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજને વિક્રાંત નામ અપાયું છે.
આ વિમાન વાહકનું નામ આઈએનએચ વિક્રાંત રખાયું છે.આ જહાજના 14 ફલોર છે. જહાજમાં 30 વિમાન અને હેલીકોપ્ટર તૈનાત કરી શકાય છે. લગભગ 23,000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેનું વજન 40,000 ટન છે.
દરેક દેશના નૌકા જહાજો, સબમરિનો વગેરે કાર્યરત થાય એ પહેલા સમુદ્રમાં તેનું પરીક્ષણ કરવામાં આવે છે. જેને સી ટ્રાયલ કહેવાય છે. આ ટ્રાયલના ત્રણ તબ્બકા હોય છે.
ડોક ટ્રાયલ– તેમાં જહાજનું બંદરમાં જ પરીક્ષણ કરવામાં આવે છે
બિલ્ડર્સ ટ્રાયલ– જેમાં જહાજનું સમુદ્રમાં ટ્રાયલ કરવામાં આવે છે અને બિલ્ડર વિવિધ પ્રકારે જહાજની તપાસ કરે છે.
એક્સેપ્ટેડ ટ્રાયલ – આ પરીક્ષણ ખુલ્લાં સમુદ્રમાં થાય છે અને તેમાં જહાજની મૂવમેન્ટ, સ્પીડને લઇને પરીક્ષણ કરવામાં આવે છે.
વડાપ્રધાને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “ભારતીય નૌકાદળ દ્વારા રચાયેલ અને કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા ઉત્પાદિત સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંતે આજે તેના પ્રથમ દરિયાઈ પરીક્ષણો શરૂ કર્યા છે. મેક ઇન ઇન્ડિયાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ભારતીય નૌકાદળ અને કોચિન શિપયાર્ડ લિમિટેડને અભિનંદન.