જામનગર જિલ્લામાં ભાદરવાનો છૂટોછવાયો વરસાદ યથાવત રહ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જિલ્લામાં ઝાપટાંથી માંડીને બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. લાલપુર તાલુકાના મોટા ખડબામાં બે ઈંચ, પીપરટોડામાં પોણા બે ઈંચ, હડિયાણા સવા ઈંચ, સમાણા એક ઈંચ, દરેડ લાખાબાવળ અને જામવંથલીમાં અડધો-અડધો ઈંચ વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. આ ઉપરાંત જિલ્લાના ચાર તાલુકામથકોએ પણ વરસાદના હળવા ઝાપટાં વરસ્યા હતાં. જેમાં સૌથી વધુ ધ્રોલમાં અડધો ઈંચ પાણી દિવસ દરમિયાન વરસી ગયું હતું. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 117 ટકા વરસી ચૂકયો છે. હજુ પણ એક સપ્તાહ વરસાદી માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.