જામનગર તાલુકાના દરેડમાં આવેલા પીજીવીસીએલ સ્ટોરમાંથી કોન્ટ્રાકટર પેઢી દ્વારા લઇ જવાતા ભંગારના જથ્થામાં વે-બ્રિજના વજનકાંટામાં જેક મારી વજનનો ઘટાડો કરાવી કૌભાંડ આચરી પીજીવીસીએલ સાથે 41.68 લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં મોરબીની બે પેઢી સહિતના વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ આરંભી હતી.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે, જામનગર પીજીવીસીએલ દ્વારા સમગ્ર જિલ્લામાંથી જુના ઈલેક્ટ્રીક વાયર-કંડકટર સહિતનો ભંગાર એકત્ર કરીને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના સ્ટોર વિભાગમાં રાખવામાં આવ્યો હતો, અને તેની ઓનલાઈન માધ્યમ મારફતે હરરાજી કરી લેવાઈ હતી. જેમાં કુલ 82 ટન માલની હરાજી થઈ હતી. આખરે વધુ ભાવ ભરનારી સુરતની નિસર્ગ નામની પેઢીને કોન્ટ્રેક્ટ મળ્યો હતો. તે પેઢીએ ત્રણ કરોડ રૂપિયા વીજતંત્રમાં જમા કરાવ્યા બાદ સ્ટોરમાંથી ભંગારનો માલ ઉપાડવા માટેની એન.ઓ.સી. મળી ગઈ હતી.એ પછી તેઓએ મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઈઝ તેમજ મેલડી એન્ટરપ્રાઇઝ નામની બે પેઢીને કોન્ટ્રાકટ આપ્યો હતો. અને તે બંને પેઢી દ્વારા અલગ અલગ પાંચ જેટલા ટ્રકમાં આશરે 60 ટન જેટલો માલ ઉપાડી લેવામાં આવ્યો હતો.
છેલ્લા દસેક દિવસના સમયગાળા દરમિયાન ઉપરોક્ત ભંગારનો માલ ભરી લીધા બાદ આસપાસના વિસ્તારમાં આવેલા પ્રણામી, રાધિકા અને ભાનુ નામના વે-બ્રિજમાં વજન કરાવાતું હતું. જેમાં આશરે 21 ટન જેટલું વજન ઓછું દર્શાવાયું હોવાનું અધિકારીઓની સતર્કતાના કારણે ધ્યાનમાં આવ્યું હતું. પીજીવીસીએલ દરેડના સ્ટોર વિભાગના નાયબ ઈજનેર અજય પરમારને સમગ્ર પ્રકરણની ગંધ આવી જતા તેઓએ વજન કાંટા પર જઈને તપાસણી કરતા પ્રાથમિક દ્રષ્ટિએ વજન કાંટામાં નીચે જઇને વજનમાં કોઇ ગોલમાલ થતી હોવાની શંકા થઈ હતી. આથી ટ્રક જતા પહેલાં જ વે-બ્રિજમાં નીચે ઉતરવાના મેઇલન હોલ પાસે જઇને તપાસણી કરતા અંદર એક માણસ અગાઉથી ઉતરેલો હોવાનું અને ટ્રકનું જ્યારે વજન કરવામાં આવે ત્યારે તેમાં જેક લગાવી દેતો હોવાથી ટ્રકમાં વજન ઓછું દર્શાવાય અને માલ વધુ ભરેલો હોય તે રીતનું કૌભાંડ થતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાનમાં આવ્યું હતું. આથી જામનગરના પંચકોષી બી ડીવીઝન પોલીસમથકમાં સંપર્ક સાધવામાં આવ્યો હતો. અને ત્યાં પીઆઈ વિરેન રાઠોડ અને તેઓની ટીમને સમગ્ર હકીકત જણાવી હતી જ્યારે વે-બ્રિજનું ઢાંકણ ખોલીને અંદર અગાઉથી માણસ સંતાઈ જતો હોય તે પ્રકારનો વીડિયો બનાવી લીધો હતો. અને પૂરાવા સ્વરૂપે પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.
જેના આધારે પીઆઈ વીરેન રાઠોડ અને તેઓની ટીમ દ્વારા પણ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ વિજતંત્રના એરિયામાંથી મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઈઝ નામની પેઢી તેમજ મેલડી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ડ્રાઈવર સહિતના કર્મચારીઓ દ્વારા પીજીવીસીએલને 41,68,315 નું નુકસાન પહોંચાડવાના કારસો રચાયો હોવાનું ધ્યાનમાં આવતા તે મામલે પીજીવીસીએલના કર્મચારી નૂરમહમદભાઈ વલીભાઈ ખીરા ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસે મોરબીની બે પેઢી અને તેની સાથે જોડાયેલા તમામ સભ્યો સામે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી અંગેનો ગુનો નોંધ્યો છે.


