સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કનુભાઈ માવાણીની મહેનતથી એ ગ્રેડ મળ્યો હતો. પરંતુ હાલ એ ગ્રેડ વગરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી સ્ટાર પણ ચાલ્યા ગયા છે. ત્યારે કુલપતિ અને ઉપકુલપતિના દેરાણી જેઠાણીના ઝગડામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરુનું ધોવાણ થયું છે, રાજકોટમાં નેકની ટિમ 3 દિવસ માટે ઇન્સ્પેક્શનમાં આવી હતી, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની એ+ ગ્રેડ મેળવવાની યુનિવર્સિટીની આશા પર પાણી ફરી વળ્યું નેક દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઇ ગ્રેડ આપવામાં આવ્યો છે.
આ મુદ્દે યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, નેકની ટીમના સિનિયર ઇન્સ્પેકટરો રાજકોટ આવ્યા હતા ત્યારે એમને ઇન્સ્પેકશન દરમિયાન ખુશી વ્યક્ત કરી છે અને કેટલાક જરૂરી સૂચનો દર્શાવ્યા છે જે સુચનોને પ્રાધાન્ય આપી યુનિવર્સિટી દ્વારા એ વિષય પર જરૂર ફેરફાર કરવામાં આવશે.
યુનિવર્સિટી વધુ સારી કેવી રીતે બની શકે તે માટે મુખ્ય સૂચનો કરવામાં આવતા હોય છે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ સારી બનાવવા નેકના તમામ સુચનો માન્ય રાખી યુનિવર્સિટી જરૂરી ફેરફાર અમે કરીશું.
આ મુલાકાત દરમિયાન નેકની ટિમ દ્વારા અલગ-અલગ ભવનની મુલાકાત લેવામાં આવી હતી, એ દરમિયાન નેકની ટિમ દ્વારા યુનિવર્સિટીને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા.જો કે આ જવાબો આપવામાં યુનિવર્સિટીને ક્યાંક તકલીફ પડી હતી. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી શા માટે હોવાનું પૂછતાં, સત્તાધીશોએ વિચિત્ર જવાબ આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફરજીયાત હાજરી છે માટે સંખ્યા ઓછી છે.
યુનિવર્સિટીમાં નેકની ટીમે સ્પોર્ટ્સનું ભવ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિહાળી ખુશ થઈ હતી. પરંતુ કેટલા વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં રૂચી લે છે, કેટલા ખેલાડીઓ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળક્યા, દરેક રમતના કોચ-એક્સપર્ટ છે કે કેમ? આ બાબતોમાં યુનિવર્સિટીના નબળાઈ છતી થઇ હતી.
હાલના સત્તાધિશોએ નેક એક્રેડીટેશનમાં ઉચ્ચ ગુણ મેળવવા એકમાત્ર ધ્યેય સાથે તડામાર તૈયારીઓ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેના વિશાળ ઈન્ફાસ્ટ્રક્ચર, સંશોધન, પેટેન્ટ, પબ્લિકેશન દ્વારા દેશભરમાં નામના ધરાવે છે. ત્યારે હાલ યુનિવર્સિટીની હાલત થોડી કફોડી બની છે. નેક કમિટી સમક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઐતિહાસિક સિદ્ધિરૂપ વારસો દર્શાવવાને બદલે ભૌતિક સુવિધાથી આંજી દેવાની નીતિ અપનાવી હોવાનું બહાર આવ્યું છે. શૈક્ષણિક સિદ્ધીના પ્રદર્શનને બદલે રંગરોગાન અને દેખાડો કરવા એક કરોડનું આંધણ કરી દીધું છે.