કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા દિવ્યાંગ બાળકોને સંગીત, નૃત્ય, નાટ્ય તેમજ લોકકલા અને રાજ્યના પરંપરાગત અમૂલ્ય વારસા અંગે પ્રોત્સાહિત કરવા માટે ઉમંગ ઉત્સવ યોજના અન્વયે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા ઉમંગ ઉત્સવ-2021ની સ્પર્ધાઓ સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને તા.08/01/2022ના રોજ અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર, જામનગર ખાતે યોજાઈ હતી. જેમાં સાહિત્ય વિભાગમાં વકતૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, દોહા-છંદ-ચોપાઈ, લોકવાર્તા, સંગીત વિભાગમાં સમૂહ ગીત, નાટ્ય વિભાગમાં એકાંકી નાટક જેવી સ્પર્ધાઓમાં કુલ 74 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મેયર બીનાબેન કોઠારી, સંસ્થાના ટ્રસ્ટી ચંદુભાઈ શાહ, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારી ભરતભાઈ પરમાર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જીલ્લા કોચ પ્રિતિબેન શુક્લ તેમજ તજજ્ઞઓ, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક, સેનીટાઈઝર તેમજ સોશિયલ ડીસટન્સ પાલન કરવામાં આવેલ હતું.