સાણંદ તાલુકાના માણકોલ ગામના સરપંચ દ્વારા ફરિયાદીની જગ્યામાં બાંધકામ અંગે ખોટા વાંધા વચકા કાઢી રૂા.2 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી લઇ સરપંચની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ફરિયાદીની એન.એ.કરાવેલ 20 ગુઠા જમીન અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના માણકોલ ગામે માણકોલ ચોકડી ઉપર આવેલી હોય તેમાં ફરિયાદીએ અગાઉ બાંધકામ કર્યુ હતું અને બાકીની ખુલ્લી જગ્યામાં બાંધકામ કરવા જતા માણકોલ ગામના સરપંચ અરવિંદ દીપા રાઠોડ દ્વારા ખોટા વાંધા વચકા કાઢી બાંધકામ બંધ કરાવ્યું હતું અને કામ ચાલુ કરવાના બદલામાં બે દુકાનોની માંગણી કરી હતી. ત્યારબાદ ફરિયાદીએ રકઝક કરતા રૂા.25 લાખની માંગણી કરી છેવટે રૂા.19 લાખ આપવાનું નકકી કરતા ફરિયાદીએ બે – ચાર હપ્તામાં નાણાં આપવા સંમતિ દર્શાવી હતી.
જે પૈકી રૂા.2 લાખનો પ્રથમ હપ્તો તા.6 એપ્રિલના રોજ આપવા વાયદો કર્યો હતો પરંતુ, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક કે.બી. ચુડાસમાના સુપરવીઝન હેઠળ અમદાવાદ ગ્રામ્ય એસીબીના પીઆઇ એસ.એન. બારોટ સહિતના સ્ટાફ દ્વારા છટકુ ગોઠવી સાણંદ તાલુકાના માણકોલ ચોકડીથી આગળ વૃતિ હોલીડે હોમ્સની અંદર જાહેર માર્ગ ઉપરથી માણકોલના સરપંચ અરવિંદ દિપા રાઠોડ ને રૂા.2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતાં. એસીબી દ્વારા આરોપીને ડિટેઈન કરી વૃદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.