જામનગરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 15 થી 24 ઓકટોબર સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સરગમ નવરાત્રિ મહોત્સવ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 160 જેટલી બાળાઓ ગરબે ઘુમશે. આ અંગે ગઇકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં નવરાત્રિ મહોત્સવના આયોજકોને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા સમગ્ર આયોજનની વિગતો આપવામાં આવી હતી.
યુવાનો અને યુવતિઓમાં વ્યક્તિ વિકાસ તથા વ્યક્તિત્વ વિકાસ માટે પ્રત્યનશિલ સંસ્થા એટલે લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેક સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃત્તિક, આરોગ્યલક્ષી સેવાકીય અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ જેમ કે, તાલિમ વર્ગો, બેઠકો, શિબિરો, વિભિન્ન ઉત્સવો તથા મેડિકલ કેમ્પ વગેરેનું આયોજન કરે છે. સમાજ સેવાની સાથે સાથે બહુમૂલ્ય સાંસ્કૃત્તિક વારસાનું જતન મુખ્ય ધ્યેય હોય, આ ધ્યેયને કેન્દ્રમાં રાખી ગુજરાતની આગવી ઓળખ સમાન રાસ-ગરબાના ભવ્ય વારસાના જતન માટે લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણાં સમયથી સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરુપે આ વર્ષે પણ લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 15થી 24 ઓકટોબર સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગર ખાતે રાત્રે 8:30 થી 12 દરમિયાન સરગમ નવરાત્રિ મહોત્સવ-2023નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આ વર્ષે 160 જેટલી બાળાઓ માઁ જગદંબાની આરાધના કરશે. આ 160 બાળાઓને પાંચ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે અને 28થી વધુ રાસ-ગરબાઓ તથા મેળામેડલી તૈયાર કરવામાં આવ્યા છે. છેલ્લા બે મહિનાથી વધુ સમયથી 160 જેટલી બાળાઓ પ્રેક્ટિસ કરી તમામ ગરબાઓ માટે પોતાના તાલથી તાલ મિલાવી રહી છે. આ બાળાઓ દ્વારા માડી તારા અઘોર નગારા વાગે, વાગ્યો રે ઢોલ, કિડીબાઇની જાન, દિવડા પ્રગટાવો, ડાકલા, ગણેશ સ્તુતિ, શિવશંભુ અને મારૂં ગુજરાત જેવા સુંદર ગરબાઓ તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર નવરાત્રિ મહોત્સવની કોરિયોગ્રાફી માટે વૈશાલી સંઘવી અને તેમની ટીમ, લાજેશ પંડયા તથા દર્શના પંડયા અને તેમની ટીમ દ્વારા બે માસથી વધુ સમયથી જહેમત ઉઠાવાઇ રહી છે.
આ નવરાત્રિ મહોત્સવમાં 60×60 ફૂટના વિશાળ સ્ટેજ પર દિકરીઓ રાસ-ગરબા દ્વારા માઁની આરાધના કરશે. તેમજ 6થી 7000 નાગરિકો બેસી નવરાત્રિ મહોત્સવ માણી શકે. તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, પદાધિકારીઓ-અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, ડોકટરો, પત્રકારો, દાતાઓ વગેરે પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર એરેનાની વ્યવસ્થા માટે 25થી વધુ પ્રાઇવેટ સિક્યોરીટી ઉપરાંત 15થી વધુ સ્વયંસેવક ભાઇઓ ખડેપગે રહેશે તથા 10થી વધુ સીસીટીવી કેમેરાથી સમગ્ર એરેનાને સુસજ્જ કરવામાં આવશે. મહોત્સવ માણનાર જામનગરની જનતાને કોઇપણ જાતના પ્રવેશ ફી વગર આ નવરાત્રિ મહોત્સવ માણી શકશે. તેમજ પાર્કિંગની સુવિધા વિનામૂલ્યે પુરી પાડવામાં આવશે.
નવરાત્રિના આ જાહેર કાર્યક્રમમાં ટ્રસ્ટ દ્વારા વિશાળ સ્કીન ઉપર ગરબાઓનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. તેમજ જય કેબલ દ્વારા પણ લાઇવ પ્રસારણ કરવામાં આવશે. લોકો જય કેબલની વેબસાઇટ પરથી પણ દેશ-વિદેશમાંથી આ ગરબા લાઇવ જોઇ શકશે.
સમગ્ર સરગમ નવરાત્રિ મહોત્સવ-2023ને સફળ બનાવવા માટે લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતભાઇ ઢોલરિયા, શૈલેષભાઇ પટેલ, બિપીનભાઇ સોરઠીયા, જમનભાઇ બાબીયા, સંજયભાઇ સુદાણી, અરવિંદભાઇ કોડીનારીયા, હેમતભાઇ દોમડીયા તથા નવરાત્રિ કન્વીનર તરીકે રાજન મુંગરા, અશ્વિન કપુરીયા, આર.પી. ઘાડીયા, હેમત પરમાર, પરેશ સંઘાણી, વિપુલ હિરપરા તેમજ વિવિધ વ્યવસ્થા કમિટીના ચેરમેન તથા ટીમ જહેમત ઉઠાવી રહી છે.
નવરાત્રિ દરમિયાન એમ્બ્યુલન્સ તથા ડોકટરોની ટીમ ખડેપગે રહેશે
છેલ્લા થોડા સમયથી યુવાનોમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે. જેને ધ્યાને લઇ આ વર્ષે નવરાત્રિ મહોત્સવમાં તબીબો સહિતન ટીમો તૈયાર રાખવા આયોજકોને સૂચના આપવામાં આવ હોય, જેને ધ્યાને લઇ જામનગરમાં યોજાનાર લોટસ ચેરી. ટ્રસ્ટની સરમગ નવરાત્રિ મહોત્સવમાં પણ એમ્બ્યુલન્સ તથા બે ડોકટરોની ટીમ મહોત્સવ દરમિયાન ઉપસ્થિત રહેશે. જેથી આકસ્મિક સંજોગોમાં તબીબોની સારવાર તાત્કાલિક ધોરણે મળી શકે.