જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે 144 જેટલી બાળાઓ વિવિધ પાંચ ગુ્રપમાં 30 થી વધુ અલગ-અલગ પ્રકારના રાસ-ગરબાઓ રજૂ કરશે. આ નવરાત્રી મહોત્સવનો ગઇકાલે પ્રારંભ થયો હતો. સ્વામીનારાયણ સંપ્રદાયના ચત્રભુજદાસજી મહારાજ, શહેર ભાજપ પ્રમુખ, કમિશ્નર તથા પત્રકારો દ્વારા દિપપ્રાગ્ટય કરાયું હતું.
ગુજરાતની આગવી ઓળખ સમાન રાસ ગરબા ના ભવ્ય વારસાના જતન માટે છેલ્લા ઘણા સમય થી ‘સરગમ નવરાત્રી મહોત્સવ’ નું આયોજન થઈ રહયું છે. સરગમ નવરાત્રી મહોત્સવ એટલે વૈવિધ્યસભર પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતીને અનુરૂપ ગરબા મહોત્સવ જેમાં પ્રાચીન – અવાર્ચીન પરંપરા અનુસાર 144 જેટલી જગદંબા સ્વરૂપ દિકરીઓ માં ની આરાધના કરે છે અને જામનગરની જનતાને કોઈપણ જાતની પ્રવેશ ફી વગર પારિવારીક રીતે આ નવરાત્રિ મહોત્સવ માણવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે.
આ નવરાત્રિ મહોત્સવ તારીખ : 11-10-2026 થી 20-10-2026 મંગળવાર સુધી, પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગર ખાતે રાત્રે 8:30 થી 12:00 કલાક દરમ્યાન યોજાશે. જેમાં નવરાત્રી માટે 60 60 ફૂટના વિશાળ સ્ટેજ પર દિકરીઓ રાસ-ગરબા દ્વારા માંની આરાધના કરશે.
સમગ્ર નવરાત્રી મહોત્સવ માટે છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી 144 થી વધુ દિકરીઓ પ્રેકટીસ કરી તમામ ગરબાઓ માટે પોતાના તાલથી તાલ મીલાવી રહી છે. 144 બાળાઓને પાંચ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે અને 30 થી વધુ રાસ-ગરબાઓ માડી તારા અઘોર નગારા વાગે, ડાકલા પેરોડી, રાજસ્થાની ગરબા જેવા સુંદર રાસ ગરબાઓ તૈયાર કરવામાં આવ્યા છે.
ગઇકાલે પ્રથમ નોરતે આ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ તકે બેડી ગેઇટ સ્વામીનારાયણ મંદિરના ચત્રભુજદાસજી મહારાજ, જામનગર મહાનગરપાલિકા કમિશ્નર દિપેશ કેડીઆ, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઇ દવે, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ભરતભાઇ રાવલ, મંત્રી કિંજલભાઇ કારસરીયા, ખજાનચી સુચીતભાઇ બારડ, જગતભાઇ રાવલ, ગીરીશભાઇ ગણાત્રા, હિરેનભાઇ ત્રીવેદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી દિપ પ્રાગટ્ય કર્યુ હતું.


