જામનગરની સમર્પણ હોસ્પિટલના આઠ લેન્ડલાઈન ટેલિફોન નંબર 20 દિવસથી બંધ હોય આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં ટેલિફોન ચાલુ થતા ન હોય ડોકટર, સ્ટાફ, દર્દીઓના સગાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે સમર્પણ હોસ્પિટલના ચીફ ટ્રસ્ટી ભાયાભાઈ કેશવાલા તથા મેડીકલ ડાયરેકટર ડો.હિમાંશુ પાઢ દ્વારા બીએસએનઅલમાં રજૂઆત કરવામાં આવી છે અને આ ટેલિફોન તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માંગણી કરાઇ છે.
જામનગરની જનરલ હોસ્પિટલના બીએસએનએલના આઠ લેન્ડલાઈન ફોન(નંબર 2712728/29/30/31/811/822/882/884) તા.11 જૂનથી બંધ છે. આ ટેલિફોન તાત્કાલિક ધોરણે ચાલુ કરવા હોસ્પિટલના સતાવાળાઓ દ્વારા બીએસએનએલના જવાબદાર અધિકારીઓને લેખિતમાં તથા મોબાઇલ મારફતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી.
આ રજૂઆતો થતા લેન્ડલાઈન ફોન ચાલુ થયા ન હતા અને છેક તા.29 જૂનના રોજ બીએસએનએલ દ્વારા હોસ્પિટલને પત્ર દ્વારા જણાવાયું છે કે, જેએમસી દ્વારા કેનાલની સફાઈનું કામ ચાલે છે. જેમાં વિશાલ હોટલ નજીક પીલર નં.772 નો કેબલ કપાઈ ગયો છે. આ કેબલનું રીપેરીંગ કામ ચાલુ છે. પરંતુ, કેટલો સમય લાગશે ? તે નકકી નથી. જેના પરિણામે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ તથા તેમના સગા-સંબંધી તેમજ હોસ્પિટલના તબીબી અધિકારીઓ તથા અન્ય સ્ટાફને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.