Monday, December 23, 2024
Homeરાજ્યસલાયા ગામે પોલીસ સાથે અથડામણ કરી, દંગલ કરતા પાંચ હજાર લોકોના ટોળા...

સલાયા ગામે પોલીસ સાથે અથડામણ કરી, દંગલ કરતા પાંચ હજાર લોકોના ટોળા સામે ગુનો નોંધાયો

પંદર સામે નામજોગ ફરિયાદ: ગંભીર ગુના સબબ આરોપીઓની ધરપકડની તજવીજ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગુરૂવારે રાત્રીના મોહરમ પર્વે તાજીયાનું ઝુલુસ કાઢવા બાબતે સ્થાનિક રહીશોના ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અધિકારીઓ, સ્ટાફ પર હુમલો કરી પોલીસ વાનને વ્યાપક નુકસાન કરવા તેમજ હત્યાના પ્રયાસ સબબ વિવિધ ગંભીર ગુના અંગે સલાયા મરીન પોલીસ મથકમાં કુલ પાંચ હજાર લોકોના ટોળા સામે વિવિધ કલમ મુજબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે મોહરમના અંતિમ દિવસે તાજીયા સંદર્ભે ગુરૂવારે રાત્રે ઉજવણીનો માહોલ છવાયો હતો. આ વચ્ચે આ દરમિયાન સલાયાના પી.આઈ. તથા સ્ટાફ દ્વારા સમગ્ર પંથકમાં જરૂરી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સલાયાના મહત્વના એવા હુસેની ચોકમાં પોલીસ દ્વારા બંદોબસ્ત દરમિયાન કોરોના મહામારી સંદર્ભે તાજીયાના જુલુસ કાઢવા સામે મનાઈ ફરમાવતું જાહેરનામું હોવા છતાં સ્થાનિક લોકો દ્વારા તાજીયાને માતમમાંથી બહાર કાઢી, સરઘસ કાઢવાની તૈયારી કરવામાં આવી હતી. જે સંદર્ભે સલાયા પી.આઈ. પી.બી. ઝાલા તથા સ્ટાફ દ્વારા આ લોકોને સમજાવટપૂર્વક નિયમ મુજબ રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. ધાર્મિક કાર્યક્રમમાં સરકારની મુજબ 400 લોકોને જ મંજૂરી મળવા પાત્ર હોય, હુસેની ચોક વિસ્તારમાં તાજીયા સાથે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા, એટલું જ નહીં, કોવિડ ગાઇડલાઇન મુજબ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હતો. કાયદાની અમલવારી માટે આ સ્થળે બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફ દ્વારા તેઓની ફરજ દરમિયાન આશરે એક હજારથી પંદરસો કેટલા સ્થાનિકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને ફરજ પર રહેલા પોલીસ અધિકારીની પીસીઆર વેનમાં રહેલા પોલીસ સ્ટાફને બળજબરીપૂર્વક નીચે ઉતારી, ગેરકાયદેસર રીતે કબજો મેળવી, આ વેન પર લાકડાના ધોકા વિગેરે મારફતે તૂટી પડયા હતા અને આ જીપનો કચ્ચરઘાણ બોલાવી દીધો હતો. એટલું જ નહીં પોલીસ ફરજમાં રહેલા કર્મચારીઓના બાઈક પર પણ આ લોકો તૂટી પડ્યા હતા અને બે બાઇકનો કડૂસલો બોલાવી દીધો હતો.

વિફરેલા ટોળાએ પોલીસ અધિકારીઓ ઉપર હિંસક હુમલો કરી,આ લોકો ફરજ પર રહેલા અધિકારીના રૂપિયા દસ હજારની રોકડ રકમ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ વાળું પર્સ બળજબરીપૂર્વક ઝૂંટવીને લઇ ગયા હતા. પોલીસ પર કરવામાં આવેલા હુમલામાં સ્થાનિક હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા તથા જી.આર.ડી.ના જવાન દિલીપભાઈ વઘોરાને જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હથિયારો વડે હુમલો કરવામાં આવતા તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. આરોપી શખ્સો દ્વારા છુટા પથ્થરો તથા લાકડી અને પાઈપ જેવા હથિયારો વડે પોલીસના સંવેદનશીલ ભાગો પર તથા માથાના ભાગે હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

આમ, તાજીયાને માતમમાંથી બહાર કાઢી, સરઘસ કાઢવાની ચેષ્ટા કરતા અટકાવવામાં આવતા પોલીસ ઉપર જીવલેણ હુમલા તથા ફરજમાં રૂકાવટ સબબ સલાયાના રહીશ રિઝવાન રજાક સંઘાર, હમીદ રજાક સંઘાર, અકરમ રજાક સંઘાર, અબ્દુલ કરીમ સલીમ ભગાડ, કરીમ નુરમામદ સંઘાર, એજાજ રજાક સંઘાર, આમીન ઉર્ફે ચકલીમીંડી જાવિદ સૈયદ, નુરમામદ ભીખા ગજીયા, અસગર રજાક સંઘાર, આબિદ તાલબ ભોકલ, સબીરહુશેન ગુલામ હુસેન સુંભણિયા, ગુલાબ ઉમર ભગાડ, મહેબૂબ ફારૂક ગજ્જન, ફિરોજ અનવર ગજણ અને ઇમરાન રજાક સંઘાર સહિત પાંચ હજાર જેટલા લોકોના ટોળા સામે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.   
આ સમગ્ર બનાવ અંગે સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. પી.બી. ઝાલાની ફરીયાદ પરથી કુલ પાંચ હજાર જેટલા સ્થાનિકોના ટોળા સામે આઈ.પી.સી. કલમ 143, 147, 149, 307, 308, 395, 397, 323, 324, 325, 332, 333, 337, 338, 353, 341, 342, 188, 427 તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.    આ બનાવ બનતા ગઈકાલે સલાયામાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને એકંદરે શાંતિ જાળવવા પોલીસને સફળતા મળી હતી. આ પ્રકરણ અંગે આગળની તપાસ એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડાને સોંપવામાં આવી છે. જે સંદર્ભે પોલીસ દ્વારા તોફાની તત્વોની શોધખોળ કરી, ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular