છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એસ.ટી.માં સ્માર્ટ કાર્ડ યોજના અંગેના મેસેજ ફરી રહ્યાં છે. આ મેસેજ ફેક હોવાનું જીએસઆરટીસી દ્વારા પરિપત્ર બહાર પાડી જાહેર કરાયું છે અને જણાવ્યું છે કે, આવી કોઇ યોજના શરુ કરવામાં આવી નથી.
જામનગર સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે કે, ‘65 વર્ષથી ઉપરની વયના લોકો માટે એસ.ટી. મહા મંડળ દ્વારા સ્માર્ટકાર્ડની યોજના શરુ કરાઇ છે. જેમાં 4000 કિ.મી.ના સુધીના પ્રવાસ દરમિયાન કોઇ જ ટિકિટ લેવાની જરુર નથી. માત્ર રૂા. 55 ભરીને આ સ્કીમનો લાભ લેવો.’ આ અંગે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા પરિપત્ર બહાર પાડી સોશિયલ મીડિયામાં ફરતા ઉપરોક્ત મેસેજને ફેક ગણાવી જણાવ્યું છે કે, આવો ફેક મેસેજ એસ.ટી. નિગમ દ્વારા કે એસ.ટી. નિગમ સાથે જોડાયેલા સંગઠનો દ્વારા આપવામાં આવ્યું નથી કે, આ મુજબની કોઇ યોજના એસ.ટી. નિગમની નથી. આથી જાહેર જનતાએ આ અંગે નોંધ લઇ વાયરલ મેસેજ અંગે ગેરમાર્ગે ન દોરાવા અનુરોધ કરાયો છે.