રશિયા-યુક્રેન યુદ્ધને ટૂંક સમયમાં પ0 દિવસ પૂરા થવા જઈ રહ્યા છે. તેના ઘણા શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. સૌથી વધુ ભોગ બનનાર શહેરોની યાદીમાં મેરીયુપોલનો સમાવેશ થાય છે. શહેરના મેયર વાદિમ બોયચેન્કો કહે છે કે રશિયન હુમલામાં 10,000 થી વધુ નાગરિકો માર્યા ગયા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 47 મો દિવસ છે. દરમિયાન, રશિયન રિપબ્લિક ઓફ ચેચન્યાના વડા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રશિયા ફરીથી કિવ પર હુમલો કરશે અને તેને કબજે કરશે. બીજી તરફ યુક્રેનની સેનાએ રશિયન સૈનિકો દ્વારા રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો દાવો કર્યો છે. તેનો ઉપયોગ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. જેના કારણે લોકોને આંખોમાં બળતરા, શ્ર્વાસ લેવામાં તકલીફ અને અન્ય મુશ્કેલી થઇ હતી. યુક્રેનના નાયબ વડાપ્રધાને દાવો કર્યો છે કે 500થી વધુ યુક્રેનિયન મહિલાઓને પણ રશિયન સેનાએ બંદી બનાવી છે. તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, તેમને બેસવા દેવામાં આવતા નથી. આ સિવાય તેના વાળ પણ કાપવામાં આવ્યા છે.
યુક્રેનના નાયબ વડા પ્રધાન ઈરિના વિરેહુકે કહ્યું કે રશિયન સેનાએ મોટી સંખ્યામાં યુક્રેનિયનોને પોતાની કેદમાં રાખ્યા છે.