રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફ દ્વારા ટ્રેનમાં તથા સ્ટેશન ઉપર મુસાફરોની ભુલાયેલી કિંમતી બેગો પરત કરી ઇમારનદારીનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું હતું.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર તાજેતરમાં 14 જાન્યુઆરીના રોજ, ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસના જામનગર સ્ટેશન પર આગમન સમયે, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રને ઇ2 કોચમાં ચેકિંગ દરમિયાન લાલ કલરનો બેગ લાવારિસ હાલતમાં જોવા મળ્યું હતું. ઈમાનદારીની મિસાલ આપતા તેણે આ બેગ આરપીએફ ઓફિસમાં જમા કરાવી હતી. થોડા સમય પછી પાતળીયા વિનોદ રાય નામનો મુસાફર આરપીએફ ચોકી પર આવ્યો અને જણાવ્યું કે વડોદરાથી જામનગર જતી વખતે ટ્રેન નંબર 22923ના બી2 કોચની સીટ નંબર 49માં તે બેગ ભૂલથી ટ્રેનમાં જ ભૂલી ગયો હતો. માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ, બેગ અને તેનો તમામ સામાન જેની કિંમત આશરે રૂ. 18000 હતી, તે પેસેન્જરને પરત કરવામાં આવી હતી.
તેવી જ રીતે, 15 જાન્યુઆરીના રોજ, ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ની એસ્કોર્ટિંગ પાર્ટીના સ્ટાફ કોન્સ્ટેબલ વિજય સુહાગે માહિતી આપી હતી કે સુરેન્દ્રનગરથી પત્થરિયા જઈ રહેલા ગુલાબચંદ જૈન નામના મુસાફર સુરેન્દ્રનગર સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 3 પર કાળા રંગની બેગ ભૂલી ગયા હતા. માહિતી મળતાં જ, આરપીએફ સબ ઈન્સ્પેક્ટર શ્રી ચંદ્રજીત યાદવ અને કોન્સ્ટેબલ પુષ્પેન્દ્ર સિંહન એ તપસ કરતાં તેઓને આ બેગ પ્લેટફોર્મ પર મળી ગયી હતી. આ પછી, જ્યારે પેસેન્જર આર.પી.એફ પોસ્ટ-સુરેન્દ્રનગર પર આવ્યો, ત્યારે તેની સંપૂર્ણ માહિતી ની ચકાસણી કર્યા બાદ તેનો તમામ સામાન જેમાં લેનોવો ટેબ્લેટ અને રેડમી કંપનીનો મોબાઈલ હતો, જેની કુલ કિંમત આશરે રૂ. 32000 હતી, તે પેસેન્જરને પરત કરવામાં આવી હતી.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિજનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર વાસ્તવે સંબંધિત રેલ્વે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી.