Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો ખતરો

જામનગર શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો ખતરો

સાંજ પડતાં જ મચ્છરનગરમાં ફેરવાઇ જાય છે આખું જામનગર : તમામ વિસ્તારોમાં મચ્છરોના મોટા-મોટા ઝુંડથી શહેરીજનો ત્રાહિમામ્ : મચ્છરોને નાથવા જામ્યુકોના આરોગ્યતંત્રની ઉદાસિનતા નોતરી શકે છે ભયંકર રોગચાળો : નાગરિકોને પણ ખાસ કરીને બાળકોને મચ્છરોથી સુરક્ષિત રાખવા અપીલ

- Advertisement -

ઋતુ પરિવર્તનનો પ્રારંભ થતાં જ જામનગર શહેરમાં મચ્છરોનું આક્રમણ થયું છે. મચ્છરોના મોટા-મોટા ઝુંડને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. મચ્છરોના સતત વધી રહેલાં આક્રમણને પગલે શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો ગંભીર ખતરો ઉભો થવા પામ્યો છે. સાંજ પડતાં જ શહેરની શેરી, ગલીઓ, માર્ગો ઉપરાંત ઘરોમાં મચ્છરોના ઝુંડ ઉડવા લાગે છે.જામનગર શહેર જાણે કે, મચ્છરનગરમાં ફેરવાઇ ગયું હોય તેમ શહેરીજનો મચ્છરના ત્રાસથી તોબા પોકારી ગયા છે. બીજી તરફ જામ્યુકોનું આરોગ્ય તંત્ર શહેરમાં મચ્છરના ઉપદ્રવને નાથવામાં નિષ્ફળ રહ્યું છે. આરોગ્ય તંત્રની ઉદાસીનતાને કારણે ડેન્ગ્યુ મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળાનો ખતરો વધુ ગંભીર બન્યો છે. હાલમાં ઋતુ પરિવર્તનની પ્રક્રિયા ચાલી રહી છે. જેને કારણે રાત્રે ઠંડી અનુભવાઇ રહી છે. પરંતુ દિવસે વાતાવરણ હુંફાળું બની રહ્યું છે. આ હુંફાળું વાતાવરણ મચ્છરોની ઉત્પતિ માટે પ્રોત્સાહક હોવાને કારણે મચ્છરોના ઝુંડમાં સતત વધારો થઇ રહ્યો છે. સતત ગણગણતા મચ્છરો કરડવાને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગચાળાના દર્દીઓની સંખ્યા ધીમે-ધીમે વધવા લાગી છે. શહેરમાં સાંજ પડતાં જ જયાં જુઓ ત્યાં બસ મચ્છરોનું જ સામ્રાજય જોવા મળી રહયું છે. ઉઘાડા મોઢે કે હાથ-પગ ખુલ્લા રાખીને બહાર નિકળવું એટલે રોગચાળાને આમંત્રણ આપવા જેવું બની રહયું છે. દર વર્ષે ઋતુ પરિવર્તન સમયે તેમજ ચોમાસા દરમ્યાન મચ્છરોનો ઉપદ્રવ વધે છે. તેમ છતાં મચ્છરોને નાથવા ફોગિગ સહિતના અસરકારક પગલાં લેવાને બદલે આરોગ્યતંત્ર લોકોને મચ્છરોથી બચવાની સલાહ, સૂચનો આપીને સંતોષ માને છે. જો કે, કેટલાક વિસ્તારોમાં નામ માત્રનું કે દેખાડા પૂરતું ફોગિગ અને દવા છંટકાવ કરવામાં આવે છે.

- Advertisement -

પરંતુ જામ્યુકો દ્વારા કરવામાં આવતી આ કાર્યવાહી મચ્છરોને ઉત્પતિના કદ સામે પર્યાપ્ત નથી. મચ્છરોને નાથવા સમગ્ર શહેરમાં ચોકકસ સમયે એક સાથે ફોગિગ તેમજ દવા છંટકાવની કાર્યવાહી થવી જરૂરી છે. ઋતુ પરિવર્તન કાળમાં મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે શહેરીજનોએ પણ પર્યાપ્ત તકેદારી રાખવી જરૂરી બની ગઇ છે. ખાસ કરીને નાના બાળકોને મચ્છરોથી સુરક્ષિત રાખવા જરૂરી છે. મચ્છરોથી બચવા આખું શરીર ઢંકાઇ તે રીતના વસ્ત્રો પહેરવા તેમજ ઘરમાં મચ્છરોને દૂર રાખવા માટે મચ્છરનાશક રિપેલન્ટ તેમજ ઉપકરણનો ઉપયોગ કરવો પણ હિતાવહ છે. છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલોમાં મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જયાં સુધી ઉષ્ણતામાનમાં વધારો નહીં થાય ત્યાં સુધી મચ્છરોનો ઉપદ્રવ યથાવત રહે તેવી સંભાવનાઓ જોવાઇ રહી છે ત્યારે જામ્યુકોના આરોગ્યતંત્રએ શહેરીજનોના વિશાળ આરોગ્ય હિતને ધ્યાનમાં રાખીને મચ્છરોને નાથવા તાત્કાલિક ઝુંબેશ હાથ ધરવી જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular