હાપા માર્કેટિંગ યાર્ડમાં શનિવારે મરચાની હરરાજીમાં ઇતિહાસ સર્જાયો હતો. યાર્ડની સ્થાપનાથી લઇ અત્યાર સુધીના ઇતિહાસમાં વિવિધ જણસીઓમાં ઓલ ટાઇમ હાઇએસ્ટ ભાવનો રેકોર્ડ સર્જાયો હતો. 20 કિલો લાલ મરચાના શનિવારે રૂા. 10 હજાર ખેડૂતોને મળતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ હતી.
લાલ મરચાની ખેતીએ ખેડૂતોને જલસા કરાવ્યા છે હાલ પૂરતા ભાવ મળતા ખેડૂતોને ખુશીનો કોઈ પર નથી. તેવામાં શનિવારે જામનગર ખાતે આવેલ હાપા માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાના ઐતિહાસિક કહી શકાય તેટલા રૂા. 10 હજાર સુધીના ભાવ બોલાયા હતા. જેને લઈને ખેડૂતો પણ કુશકુશાલ જોવા મળ્યા હતા. મરચાની ગુણવત્તા સારી હોવાથી તેના ભાવ સારા મળી રહ્યા છે.
જામનગર આસપાસના ખેડૂતો મરચાની ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે લાલ મરચાના ઉત્પાદન પર અસર પડી હોવાથી આ વર્ષે મરચાના ભાવમાં વધારો થયો છે. લાલ મરચાં ખૂબ મોંઘા થયા છે. મહત્વનું છે કે જામનગર માર્કેટિંગ યાર્ડમાં સ્થાપનાથી લઈને અત્યાર સુધીના અલગ અલગ જણસીઓમાં ઓલ ટાઈમ હાઈએસ્ટ ભાવના રેકોર્ડ ઉપર રેકોર્ડ તૂટતા જાય છે. જેમાં શનિવારે મરચા ત્રણ ભારી લઈ ખેડૂત આવ્યા હતા. જેના 20 કિલો મરચાના ભાવ રૂા. 10,000 મળ્યા હતા. જે અગાઉ ક્યારેય ન મળ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે.
શનિવારે હાપા માર્કેટ યાર્ડમાં કુલ 66 ખેડૂતો લાલ મરચાં લઈને આવ્યા હતા. જેને પગલે 747 મણ મરચા ઠલવાયા હતા. જેમાં ગોંડલ તાલુકાના ક્ળીથળ ગામનાં ખેડૂત કાળુભાઈ સાવલિયાના મરચા ક્વોલિટીની દ્રષ્ટિએ બેસ્ટ હોવાથી સાદિક બ્રધર્સ નામની પેઢીએ રૂા. 10 હજાર સુધીના ભાવ આપ્યા હતા.